શબ્દોના આભમાં સંવેદનાનો સૂર્યોદય એટલે કાવ્ય!માણીએ, પ્રસિદ્ધ કવિઓએ પોતાની કલમથી કંડારેલી અણમોલ પંક્તિઓમોરબી (આલેખન : માર્ગી મહેતા) : વર્ષ ૧૯૯૯થી દર વર્ષે ૨૧ માર્ચે 'આંતરરાષ્ટ્રીય કવિતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વિશ્વભરમાં કવિતાના માધ્યમથી અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને ભાષાકીય સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. કવિતા દિવસ એ શબ્દોના માધ્યમથી જીવનને માણવા અને ઉજવવાનો અવસર છે. કવિતા એ માત્ર શબ્દોનું જોડાણ નથી પરંતુ તે માનવ હૃદયના ઊંડાણમાં દબાયેલી સંવેદનાઓનો પડઘો છે. કવિતા સમય અને સીમાઓના બંધન તોડીને માનવતાને એકસૂત્રે બાંધે છે. શબ્દોના આભમાં સંવેદનાનો સૂર્યોદય થાય ત્યારે કાવ્ય રચાય છે.કવિતાના વિશ્વમાં અછાંદસ, ગીતો, કવ્વાલી, ગઝલ, સ્તુતિ, ગરબા, દોહા, નઝમ, ભજન, મરશિયા, મુક્તક, સોનેટ, હાઇકુ અને હાલરડાં જેવા અનેક પ્રકારો તેની વૈવિધ્યતાની સાક્ષી પૂરે છે. સમયના વહેણ સાથે આપણી ગુજરાતી ભાષાના આભલા સમાન કવિઓએ પોતાની કલમથી જે અણમોલ પંક્તિઓ કંડારી છે, તેની ઝલક અહીં પ્રસ્તુત છે.ગુજરાતી સાહિત્યના આકાશમાં આધ્યાત્મિકતાના શિખરે બિરાજતા નરસિંહ મહેતાએ રચ્યું છે:શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી.માનવીના કર્તવ્ય અને સમર્પણની વાત જ્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વણાય છે ત્યારે તે અત્યંત હૃદયસ્પર્શી બની જાય છે. રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી પ્રેરિત થઈને તેમણે લખ્યું છે: તે સમે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું:મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ! એટલું સોંપજો, તો કરીશ હુંગુજરાતી ભાષા અને તેની અસ્મિતાનો જયઘોષ કરતાં ભાગ્યેશ જહા લખે છે : જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ,વદતુ વદતુ વદતુ ગુજરાતી વદતુ.ગુજરાતી ગઝલની વાત નીકળે ત્યારે અનેક દિગ્ગજ નામો યાદ આવે છે. સંજુ વાળા આ ગઝલકારોને અંજલિ આપતા કહે છે: બાળાશંકર, સાગર-શયદા, મરીઝ-ઘાયલ, આદિલ,મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી.શબ્દની સાધના કેટલી કઠિન હોય છે, તેનો અહેસાસ મનોજ ખંડેરિયાની આ પંક્તિઓમાં દેખાય છે: હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પહોંચી છે.રમેશ પારેખ પ્રકૃતિ અને સાદગીના વૈભવને આ રીતે આલેખે છે: તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે. સમયની ક્ષણભંગુરતા હોવા છતાં માનવીના આત્મવિશ્વાસને પણ રમેશ પારેખ બહુ સુંદર રીતે મૂકે છે: આમ તો છું એક પરપોટો સમયના હાથમાં,તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં!વેદના અને સંવેદનાનો સંગમ અમૃત ઘાયલની પંક્તિઓમાં જોવા મળે છે: ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં,કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં. કવિ સુંદરમની દ્રષ્ટિમાં સૃષ્ટિના સૌંદર્યને વધારવાની અભિલાષા છે: હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી,તેહ સર્વને મૂકું કરી સુન્દર ચાહી ચાહી.રૂપ અને પ્રણયની વાત સૈફ પાલનપૂરીના પ્રસિદ્ધ ગીતના આ શબ્દોમાં છલકાય છેશાંત ઝરૂખે વાટ નિરખતીરૂપની રાણી જોઈ હતીમેં એક શહજાદી જોઈ હતી. તત્વજ્ઞાન અને અંતરાત્માના અવાજને રાજેન્દ્ર શુક્લ કંઈક આ રીતે રજૂ કરે છે: ગેબ નગારાં નોબત વાગે, આગે આગે ગોરખ જાગે!એક જ પળ આ જાય ઉખળતી, ગૂંચ ગઠી જે ધાગે ધાગે!લતા હિરાણીની આ પંક્તિઓ પણ મનુષ્યના અસ્તિત્વનો પ્રકૃતિ અને પરમાત્મા સાથેનો અતૂટ સંબંધ દર્શાવે છે, જ્યાં આકાશ અને ધરતીની વચ્ચે ગુંજતો 'અનહદ નાદ' આત્માના પરમાત્મા સાથેના મિલનનો નિર્દેશ કરે છે. જોડાઈ જઈએ છીએ, હું ને આકાશ, હું ને ધરતી,વચ્ચે ગુંજ્યા કરે છે કોઈ, અનહદનો નાદ થઈ. ગઝલના બાદશાહ મરીઝ પોતાની તકદીર અને મસ્તી વિશે લખે છે: મસ્ત હું એકલો જ ક્યાં છું ‘મરીઝ’,મારી તકદીર પણ સજાગ નથી.વેદનાના કવિ રાવજી પટેલની આ અમર પંક્તિઓ આજે પણ કાનમાં ગુંજે છે: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા,મારી વે’લ શણગારો વીરા,શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.માતૃભાષા ગુજરાતીનો મહિમા ગાતા તુષાર શુક્લ લખે છે: મોરપીચ્છ શી કદી મુલાયમ, કદી તાતી તલવાર,કદી ડણકતા સાવજ જેવી, કદી મયૂર ટહુકાર,કદી વહે આરાધ થઈને, મીઠી કદી પ્રભાતી,એ માતૃભાષા ગુજરાતી છે.અથર્વ વેદમાં કૃત્સ ઋષિએ પરમાત્માના કાવ્ય વિશે જે કહ્યું છે, તેનો હરીન્દ્ર દવેએ કરેલો અનુવાદ કુદરતની કવિતાને રજૂ કરે છે: દેવસ્ય પશ્ય કાવ્યં ન મમાર ન જીર્યતિ। :-પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી, કદી જીર્ણ થતું નથી.નવા યુગના કવિઓ પણ શબ્દોની સાધનાને કવિતા રૂપે સચોટ રીતે આગળ ધપાવી રહ્યા છે. માતૃપ્રેમની અનોખી વ્યાખ્યા ગૌરાંગ ઠાકર આપે છે: સોયમાં દોરાને બદલે બા હતી;ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.અનિલ ચાવડા વરસાદના સંગીતને આધુનિક શૈલીમાં જોતા કહે છે: મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું? વર્ષા :ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.શબ્દો સાથેનો જીવંત નાતો વિવેક મનહર ટેલર આ રીતે વ્યક્ત કરે છે: શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.પ્રકૃતિના પરિવર્તનને હર્ષદેવ માધવ અનોખી કલ્પનાથી સજાવે છે: વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત Sign,ને ત્યારબાદ રંગની જુદી-જુદી Design.ગીતો પ્રત્યેનો પ્રેમ હિતેન આનંદપરાના શબ્દોમાં દેખાય છે: અમે ગીતોના માણસ રે લોલ,તમે આપીને કોઈ દી પાળો નહીં, અમે સાચવીએ વણદીધા કોલ.આ લેખના અંતે માણીએ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ પંક્તિઓ, જે પૃથ્વીના સૌંદર્ય અને જીવનની કૃતજ્ઞતાનો સુંદર ભાવ પ્રગટ કરે છે: પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે.લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીંતડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.વ્યોમ તો ભવ્ય છે ને પૃથ્વી આ રમ્ય છે.આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.હવામાં રંગનાં વર્તુળો દોરતું.કિયા ભવનું પુણ્ય છે?!જિંદગી ધન્ય છે, ધન્ય છે.સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં!સભર આ શૂન્ય છે, પૃથ્વી આ રમ્ય છે.માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,ને અન્યના...