અધિકારીઓની હાજરીમાં ૩ અકસ્માતો થયા, જો સ્પીડબ્રેકર નહિ હોય તો અકસ્માતનો સિલસિલો અટકશે નહિ તેવું જણાવી બમ્પર નહિ બને ત્યાં સુધી રસ્તો નહિ ખોલવા સ્થાનિકો અડગમોરબી : મોરબીના સનાળા બાયપાસ પર આવેલી રાજપર ચોકડી ખાતે આજે સ્થાનિક યુવાનો દ્વારા સ્પીડ બ્રેકર (બમ્પર)ના મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો છે. શનાળા પાસે સ્પીડ બ્રેકર ગાયબ થઈ જતા વાહનો બેફામ ઝડપે પસાર થઈ રહ્યા છે, જેને પગલે અકસ્માતનો ભય રહેતો હોય સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.યુવાનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આ રોડ પર વર્ષોથી બમ્પર હતા. પરંતુ અમિત શાહની મુલાકાત વખતે તે કાઢી નાખવામાં આવ્યા હતા. બાદમાં જે બમ્પર બનાવાયા તે ખરાબ હોવાની રજૂઆત થઈ, તો તંત્રએ તેને સુધારવાને બદલે રાતોરાત બમ્પર જ ગાયબ કરી દીધા. આશ્ચર્યની વાત એ છે કે સ્ટેટ હાઇવે ઓથોરિટી કે મહાનગરપાલિકા કોઈને ખબર નથી કે આ બમ્પર રાત્રે કોણ કાઢી ગયું. સંજય પટેલ નામના અધિકારીએ રાત્રે ૨ વાગ્યે અજાણ હોવાનું જણાવ્યું હતું. છેલ્લા ૩ દિવસથી તંત્ર બમ્પર કોણ કાઢી ગયું તે જ શોધી રહ્યું છે.તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા યુવાનોએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૮ દિવસથી રોજેરોજ અરજીઓ કરીએ છીએ. પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને દિવસમાં ૩૦-૩૦ ફોન કરવા છતાં તંત્ર દાદ આપતું નથી. સ્ટેટ હાઇવેના કાર્યપાલક ઇજનેર પટેલ અને ડાભી માત્ર 'થઈ જશે' ના વાયદાઓ જ કરે છે. આ રોડ પરથી રોજના હજારો વાહનો ફૂલ સ્પીડમાં પસાર થાય છે. ૧૨ વાગ્યાની આસપાસ અધિકારીઓની હાજરીમાં જ ૩ અકસ્માતો સર્જાયા હતા, આમ છતાં તંત્રને લોકોના જીવની કોઈ પરવા નથી. અધિકારીઓ માત્ર નોટિસ કાઢવાની વાતો કરે છે, ત્યારે યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે શું અમારા છોકરાઓ કે વડીલો મરી જશે પછી તંત્ર નોટિસ કાઢશે?વારંવારની રજૂઆતો અને તંત્રની ઘોર બેદરકારીથી કંટાળીને આજે લોકોએ રસ્તા પર ઉતરી ચારેય તરફનો ટ્રાફિક રોકી દીધો છે. ચક્કાજામના કારણે એકાદ કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી ગઈ છે. સ્થળ પર પોલીસ કાફલો દોડી આવ્યો છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ લોકો પોતાની માંગ પર અડગ છે. તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી સ્થળ પર બમ્પર બનાવવાની કામગીરી શરૂ નહીં થાય, ત્યાં સુધી આ ચક્કાજામ ખોલવામાં આવશે નહીં.#Morbi #MorbiUpdate #RajparChokdi #ChakkaJam #TrafficJam #SpeedBreakerIssue #SanalaBypass #MorbiNews