250થી વધુ લોકોને ડિમોલિશનની અંતિમ નોટિસ અપાતા નારાજગી : વૈકલ્પિક મકાન ફાળવવા અને સમય આપવાની માંગમોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ સાવરની પાળ (ભારતપરા) વિસ્તારમાં રહેતા 250થી વધુ લોકોને મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલિશન કરવા માટે અંતિમ નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડીમોલિશનની કાર્યવાહી અટકાવવા અને સમય આપવાની માંગ સાથે સ્થાનિકોએ આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, પંચાસર રોડ પાસે કાચા-પાકા ઝૂંપડા બાંધીને ગરીબ અને મજૂર વર્ગના પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. આ પરિવારો પાસે કાયદેસર વીજ કનેક્શન છે અને તેઓ મહાનગરપાલિકાને મકાન વેરો તથા લાઈટ બિલ નિયમિત ભરે છે. તેમજ સરકાર દ્વારા અપાયેલ ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડ જેવા પુરાવા પણ ધરાવે છે. 1979ની હોનારત વખતે પણ આ પરિવારો અહીં જ રહેતા હતા અને નુકસાનીની સરકારી સહાય પણ મેળવી હતી. વર્ષ 2000 અને 2023માં રોડ પહોળો કરવાની કામગીરી વખતે પણ ઝૂંપડવાસીઓએ તંત્રને સંપૂર્ણ સાથ સહકાર આપીને સ્વેચ્છાએ જગ્યા ખુલ્લી કરી આપી હતી.આવેદનમાં વધુમાં જણાવાયું છે કે, મહાપાલિકાના જુનિયર એન્જિનિયર દ્વારા અગાઉ 20 ફેબ્રુઆરી અને 7 માર્ચના રોજ નોટિસ આપવામાં આવી હતી, જેનો સ્થાનિકોએ આધાર-પુરાવા સાથે જવાબ પણ રજૂ કર્યો હતો. તેમ છતાં, ગત 17 માર્ચના રોજ ફરી નોટિસ આપીને આગામી 24 માર્ચ 2026ના રોજ ડીમોલિશન કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર હટાવી શકાય નહીં. તેથી તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય કોઈ આવાસ યોજના હેઠળ પહેલા વૈકલ્પિક મકાન ફાળવવામાં આવે અને ત્યાં સુધી ડીમોલિશનની કામગીરી પર તાત્કાલિક ધોરણે રોક લગાવતો હુકમ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે.પાલિકાના ખંડેર આવાસોનું સમારકામ કરી અસરગ્રસ્તોને ફાળવે : શહેર કોંગ્રેસ પ્રમુખશહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને પંચાસર રોડ પરના પરિવારોની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનેલા આવાસો હાલ ખંડેર હાલતમાં છે, જો તેનું રિનોવેશન કરીને આ 300 પરિવારોને ત્યાં સમાવવામાં આવે તો આવાસ યોજનાનો હેતુ સાર્થક થઈ શકે. હાલ મુસ્લિમ સમાજના તહેવારોની મોસમ ચાલી રહી છે અને આ રોજનું કમાઈને ખાનારા પરિવારો છે, ત્યારે માત્ર એક-દોઢ મહિનાના બદલે અઢી મહિનાનો વધુ સમય આપવા કલેક્ટર, વહીવટદાર અને કમિશનરને અપીલ કરી છે. તેમણે તંત્ર પર ગરીબ, ઓબીસી, લઘુમતી અને અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો અને વિકાસના કામોમાં સહકારની ખાતરી સાથે માનવીય અભિગમ અપનાવવા જણાવ્યું હતું.અચાનક મકાન ખાલી કરવા મુશ્કેલ, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ : આજીભાઈ કોરડીયાપંચાસર રોડ પર આવેલ સાવરની પાળ, જોષીનગર અને લાતી પ્લોટ 13 પાછળના વિસ્તારમાં રહેતા આજીભાઈ અકબરભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, આશરે 250 થી 300 મકાનોને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. આ પરિવારો મચ્છુ હોનારત સમયથી અહીં રહે છે. તેઓએ કલેક્ટરને રજૂઆત કરી છે કે તેમને મકાન ખાલી કરવા માટે થોડો વધુ સમય આપવામાં આવે અથવા સરકારની આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવે. અગાઉ આવાસ માટે અરજીઓ કરી હોવા છતાં મકાન મળ્યા નથી. સ્થાનિકો વિકાસના કામોમાં સહમત છે, પરંતુ અચાનક મકાન ખાલી કરવાથી ભાડાના મકાન મળવા મુશ્કેલ છે, તેથી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા થાય તેવી માંગ કરી છે.આ મકાનોમાં કેન્સરના દર્દીઓ અને સગર્ભા મહિલાઓ પણ રહે છે : જીલુબેનસ્થાનિક મહિલા જીલુબેન મહેબૂબભાઈ માયકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ હોનારત પછીથી અહીં વસવાટ કરે છે. પરિવારોમાં કેન્સરના દર્દીઓ અને ડિલિવરી વાળી મહિલાઓ પણ છે, ત્યારે તાત્કાલિક મકાન ખાલી કરવું શક્ય નથી. વિસ્તારમાં 150 જેટલા પરિવારો આર્થિક રીતે નબળા છે જેઓ 10 હજાર જેટલું મોટું ભાડું ચૂકવી શકે તેમ નથી. વધુમાં, લઘુમતી સમાજના હોવાથી ભાડે મકાન આપવામાં લોકો આનાકાની કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેઓએ વહીવટી તંત્ર પાસે 3 થી 4 મહિનાનો સમય અથવા રહેઠાણની અન્ય વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Demolition #CollectorOfficeMorbi #MorbiMahanagarpalika #PanchasarRoad #GujaratNews