મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાખો ખર્ચવા છતાં જીવ ન બચ્યોમોરબી : મોરબી તાલુકાના બેલા ગામના સગર્ભાને ડિલીવરી માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સિઝેરીયનથી દિકરાને જન્મ થયો હતો. જો કે, પ્રસુતિ બાદ તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં દાખલ કરાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રસુતાના મૃત્યુને પગલે નવજાત પુત્ર સહિત ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા હતાં.મોરબીના બેલા ગામે રહેતાં મુળ ઉત્તરપ્રદેશના વતની સુમનકુમારી રાજકુમાર બાસખોર ઉ.32ને પેટમાં આઠ માસનો ગર્ભ હોય ગત તા.14ના રોજ પેટમાં દુઃખાવો ઉપડતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સિઝેરીયનથી દિકરાને જન્મ આપ્યો હતો. પરંતુ આ પછી તેણીની તબીયત બગડતાં તબિબે ગર્ભાશયની કોથળી કાઢવી પડશે કહી તેનું ઓપરેશન કર્યુ હતું. પરંતુ ત્યારબાદ તબીયત વધુ લથડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં સારવારમાં મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર સુમનબેનને અગાઉ એક દિકરો અને એક દિકરી હતાં. ત્રીજી ડિલીવરીમાં દિકરાને જન્મ આપ્યો હતો. તેણીના મોતથી ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા છે. પતિ રાજુ પાસવાન સિરામીક ફેક્ટરીમાં પેકીંગ વિભાગમાં કામ કરતા હોવાનું તેમજ પત્નીને બચાવવા લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પત્નીને બચાવી શક્યા ન હતા.