લજાઈ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગો પાણીથી તરબતર: ખેતરોમાં ઉભા ઘઉંના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિતમોરબી : ટંકારા પંથકમાં અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો ગોરંભાયા બાદ અચાનક કમોસમી વરસાદ એટલે કે માવઠાના છાંટા પડવાના શરૂ થયા હતા. ટંકારા તાલુકાના મિતાણા ગામથી લઈને લજાઈ થઈને ધ્રુવનગર સુધીના આખા પટ્ટામાં કમોસમી વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.મોડી રાત્રે પડેલા આ કમોસમી વરસાદને પગલે પંથકના રોડ-રસ્તાઓ એકદમ ભીંજાયા હતા. ખાસ કરીને લજાઈ ચોકડી અને તેની આસપાસના હાઇવે તથા આંતરિક માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યા હતા. અચાનક આવેલા આ માવઠાના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી અને રાત્રિના સમયે વાહનચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી.બીજી તરફ, આ અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કરી દીધો છે. હાલમાં શિયાળુ પાકની સીઝન અંતિમ ચરણમાં છે અને ખેતરોમાં મોટાભાગે ઘઉં, ચણા તથા જીરું સહિતનો પાક તૈયાર થઈને ઉભો છે. ઘઉંનો પાક હવે લણણીની તૈયારીમાં જ છે, તેવા સમયે જ પડેલા આ કમોસમી વરસાદના કારણે પાક પલળી જવાથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ ગોરંભાયેલું રહેશે અને વધુ વરસાદ ખાબકશે, તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ધરતીપુત્રો હવે આતુરતાથી વાતાવરણ ફરીથી સ્વચ્છ થાય તેની રાહ જોઈ રહ્યા છે.#Tankara #WeatherUpdate #Mavthu #FarmersConcern #MorbiUpdate #GujaratRain #CropDamage #UnseasonalRain #Agriculture #MorbiNews