વાંકાનેર : વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આજે દિવસ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે ધૂળની ડમરીઓ સાથે તીવ્ર પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. આ વાવાઝોડા જેવા પવનને કારણે મેળાના મેદાનમાં ભારે તબાહી સર્જાઈ છે.મળતી વિગતો મુજબ, માટેલ ધામના મેળાના મેદાનમાં વેપારીઓ અને આયોજકો દ્વારા ઊભા કરવામાં આવેલા સંખ્યાબંધ પંડાલો અને મંડપો પવનના વેગ સામે ટકી શક્યા ન હતા. પવન એટલો પ્રચંડ હતો કે મજબૂત મનાતા માળખાં પણ કાગળની જેમ ઉડી ગયા હતા. પ્લાસ્ટિકના તાડપત્રીના શેડ્સ, કપડાના ટેન્ટ અને ડેકોરેશનનું મટીરીયલ ચારેતરફ ઉડતું જોવા મળ્યું હતું. આ અચાનક સર્જાયેલી આફતને પગલે મેળામાં આવેલા લોકો અને વેપારીઓમાં ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી.આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાના ચોક્કસ અહેવાલો મળ્યા નથી, પરંતુ મેળાના આયોજકો અને ત્યાં સ્ટોલ લગાવનારા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં માટેલ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે આ ઘટનાને કારણે મેળાની રોનક પર પણ અસર પડવાની શક્યતા છે.#Morbi #vankaner #mateldham #storm #mela #news