મોરબી જિલ્લામાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. મોરબીવાસીઓએ એક જ દિવસમાં ઉનાળો, ચોમાસું અને શિયાળો એમ 3 અલગ-અલગ ઋતુઓનો અનોખો અને આશ્ચર્યજનક અનુભવ કર્યો છે. બપોર સુધી આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોને સાંજ પડતા જ ભારે પવન, વાવાઝોડા અને વરસાદી વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રાત્રે ઠંડા પવનો ફૂંકાતા શિયાળા જેવી કાતિલ ઠંડીનો અહેસાસ થયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર સુધી તાપમાન ઊંચું રહ્યું હતું અને લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જોકે, બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાની સાથે જ કમોસમી વરસાદ પણ પડ્યો હતો, જેનાથી લોકોને ભર ઉનાળે અચાનક ચોમાસાનો અનુભવ થયો હતો.કમોસમી વરસાદ અને ભારે પવનના પગલે રાત્રિના સમયે વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું હતું અને તાપમાનનો પારો અચાનક ગગડી ગયો હતો. તેજ પવન સાથે ઠંડક પ્રસરી જતા મોરબીવાસીઓને ઉનાળામાં શિયાળાની કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક બદલાયેલા આ મિશ્ર વાતાવરણના કારણે લોકોના જનજીવન પર વ્યાપક અસર પડી હતી. આ ઉપરાંત, અચાનક ફૂંકાયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.#Morbi #MorbiUpdate #MorbiWeather #WeatherChange #UnseasonalRain #WinterInMorbi #GujaratWeather #StormInMorbi #ClimateChange