સિરામિક ઝોનમાં કારખાનાના પતરા ઉડ્યા, હાઇવે પર હોર્ડિંગ્સ ધરાશાયી, તો અનેક વિસ્તારોમાં વૃક્ષો કાર પર પડતા ભારે નુકસાન: સદનસીબે જાનહાનિ ટળીમોરબી શહેર સહીતના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયોમોરબી : મોરબી જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ અને અતિભારે પવન સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ તેજ ગતિએ ફૂંકાયેલા પવને સમગ્ર મોરબી પંથકમાં અનેક જગ્યાએ નુકસાની સર્જી છે. વાવાઝોડા જેવા પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ચારેતરફ નુકસાનીના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે ભારે પવનના પગલે મોરબી શહેર સહિતના વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો ઔદ્યોગિક વિસ્તારની વાત કરીએ તો, લખધીરપુર રોડ અને જાંબુડીયા ગામ પાસે આવેલા સિરામિક ઝોનમાં પવનની તીવ્રતા એટલી વધુ હતી કે અનેક કારખાનાઓના ઊંચા શેડ પર લગાવેલા લોખંડના પતરા કાગળની જેમ હવામાં ઉડીને ફંગોળાયા હતા. અનેક કારખાનાઓની છત ખુલ્લી થઈ જતા ફેક્ટરી માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે પતરા ઉડતી વખતે કોઈ શ્રમિક તેની ઝપેટમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી.મોરબી-રાજકોટ હાઈવે પર પવનનો વેગ તીવ્ર હોવાથી રસ્તાની આસપાસના મોટા બોર્ડ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ધૂળિયા વાતાવરણમાં દ્રશ્યતા (visibility) ઓછી થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. આ ઉપરાંત, લાલપર ગામ પાસે ઓમકાર પેટ્રોલ પંપ નજીક એક મોબાઈલ ટાવરની લોખંડની સીડી પવનના વેગને કારણે તૂટીને હવામાં લટકી રહી હોવાના દ્રશ્યો સર્જાયા હતા, જે કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે તેવી સ્થિતિમાં છે.શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે. રેલવે સ્ટેશન રોડ પર એક વિશાળ વૃક્ષ રસ્તા પર પાર્ક કરેલી કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ રોડ પર પસાર થઈ રહેલી કાર પર વૃક્ષ તૂટી પડતા કાર ચાલક અંદર ફસાયો હતો, જેને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક સહીસલામત બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે, મચ્છુ-2 ડેમ રોડ પર તેમજ સામાકાંઠે જૂની પોસ્ટ ઓફિસ પાસે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થયા હતા.આ મુશ્કેલીના સમયે તંત્રની સાથે લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. સામાકાંઠે સ્થાનિક યુવાનોએ જાતે જ રસ્તા પરથી વૃક્ષની ડાળીઓ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો, જ્યારે શનાળા રોડ પર જેસીબીની મદદથી કામગીરી હાથ ધરાઈ હતી. આટલા મોટા પાયે નુકસાની અને દુર્ઘટનાઓ સર્જાવા છતાં, સદનસીબે સમગ્ર જિલ્લામાં ક્યાંય કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વાહનચાલકોને હાલ પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WeatherUpdate #MiniCyclone #CeramicCity #HeavyWind #TreeFall #GujaratNews #LiveMorbi