૧૭૫ની વસ્તી ધરાવતા આ ગામમાં ૧૨૦૦ જેટલા મોર : યુવાનો દ્વારા ઢોલ વગાડી ભેગા કરાયેલા ફંડથી થાય છે અનોખા સેવાકીય કાર્યોમોરબી : મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાનું છેવાડાનું ગામ નાનાભેલા સેવા, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. માત્ર ૧૭૫ જેટલી વસ્તી અને મોટાભાગે નિવૃત્ત વડીલોની હાજરી હોવા છતાં, રોજગારી માટે મોરબી ગયેલા યુવાનો અને ગામના વડીલોના સહિયારા પ્રયાસોથી ગામની કાયાપલટ થઈ છે. પર્યાવરણની જાળવણી બાબતે યુવા સરપંચ ભાવેશભાઈ કાવરના જણાવ્યા મુજબ, ગામની સીમમાં અંદાજે ૧૨૦૦ જેટલા મોર છે. ગામલોકો પોતાના બાળકોના જન્મદિવસ, વડવાઓની પુણ્યતિથિ કે લગ્નની વર્ષગાંઠે પક્ષીઓને ચણ, કાગડાઓને ગાંઠિયા અને કૂતરાઓને લાડવા ખવડાવીને ઉજવણી કરે છે. આ સેવાયજ્ઞ છેલ્લા ૧૦ વર્ષથી અવિરત ચાલુ છે. હિંમતભાઈ કાવર, નારણબાપા અને નારણભાઈ કાવર તથા અન્ય વડીલો દ્વારા દરરોજ કૂતરાઓ માટે લાડવા બનાવવામાં આવે છે. મોરના રક્ષણ માટે ગામલોકો દ્વારા રાત્રે ચોકી પણ કરવામાં આવે છે.પશુ-પક્ષીઓ નિર્ભય રીતે રહી શકે તે માટે રામેશ્વર ઢોલ ત્રાંસા યુવા મંડળના પ્રમુખ સંદીપભાઈ વાઘડિયા અને તેમની ટીમ દ્વારા ૭૦૦ જેટલા વૃક્ષો વાવીને ફરતે ફેન્સિંગ કરી 'રામેશ્વર બાગ' તૈયાર કરવામાં આવ્યો છે. અહીં મોરનો નૃત્ય કરતો નજારો જોવા માટે બહારગામથી લોકો આવે છે. સ્વચ્છતા અંગે સેવાભાવી હિંમતભાઈ કાવર જણાવે છે કે રાજ્ય સરકારના સહયોગથી ગામની દરેક શેરીમાં પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. દર ૧૦૦ મીટરે કચરાપેટી મુકવામાં આવી છે, જેમાંથી ઇલેક્ટ્રિક ટીપર વાન દ્વારા દર બે દિવસે કચરાનો નિકાલ કરવામાં આવે છે. નિયમિત ડીડીટી પાવડરનો છંટકાવ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે. સમગ્ર ગામ સીસીટીવીથી સજ્જ છે અને કચરો ફેંકનારને કેમેરામાં તપાસીને આખી શેરી સાફ કરવાનો દંડ ફટકારવામાં આવે છે.સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સંદીપભાઈ વાઘડિયા જણાવે છે કે યુવા મંડળના સભ્યો લગ્ન પ્રસંગોમાં વિના સંકોચે સ્વખર્ચે ઢોલ વગાડવા જાય છે. તેમાંથી મળતી રકમનો ઉપયોગ ગૌશાળા, નિરાધાર બાળકોની સ્કૂલ ફી, વૃક્ષારોપણ, નિરાધાર વૃદ્ધોને રાશન કીટ વિતરણ અને જરૂરિયાતમંદોને મેડિકલ સહાય માટે કરવામાં આવે છે. અંતમાં સરપંચ ભાવેશભાઈ કાવરે આ વિકાસ કાર્યો માટે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને ગામના તલાટી મંત્રીના સહયોગ અને માર્ગદર્શનનો આભાર માન્યો હતો.#MorbiUpdate #MaliyaMiyana #Nanabhela #CleanVillage #EnvironmentProtection #PeacockConservation #SocialService #MorbiNews #GujaratVillages