ફળો, મીઠાઈઓ, ડેરી અને બેકરી પ્રોડક્ટ્સમાં થતી મિલાવટ તથા FSSAIના નિયમોના ઉલ્લંઘન મુદ્દે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની મુખ્યમંત્રી, કલેક્ટર સહિતનાને રજૂઆતમોરબી : મોરબી જિલ્લાના બજારોમાં વેચાતા ફળો, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોમાં થતી વ્યાપક ભેળસેળ અને FSSAI ના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના મોરબી જિલ્લા એકમના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવા દ્વારા ઓનલાઇન પોર્ટલના માધ્યમથી સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ગંભીર ચેડાં અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર, મોરબી જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરિયાદ મોકલવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, બજારમાં કેળા જેવા ફળોને કાર્બાઈડ કે અન્ય જોખમી કેમિકલથી પકવવામાં આવી રહ્યા છે. તેમજ તરબૂચ જેવા ફળોમાં કલર અને મીઠાશ માટે પ્રતિબંધિત ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનાથી ગંભીર બીમારીઓ થવાનો ભય રહે છે. આ મામલે ફળ બજારમાં આકસ્મિક તપાસ કરી કેમિકલયુક્ત ફળોનો નાશ કરવા અને તે વેચનારાઓ પર ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સ અંગે ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરતા જણાવાયું છે કે મીઠાઈની દુકાનોમાં FSSAI ના નિયમ મુજબ 'બેસ્ટ બીફોર ડેટ' (ક્યાં સુધી વાપરી શકાય) નું લેબલ લગાવવામાં આવતું નથી. વાસી મીઠાઈઓ, ડુપ્લિકેટ ઘીનો વપરાશ, પામ ઓઈલનો બેફામ વપરાશ અને અખાદ્ય સિન્થેટિક કલરોનો ઉપયોગ કરી ગ્રાહકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. અનેક બેકરીઓમાં હલકી ગુણવત્તાના લોટ અને કેમિકલ્સનો ઉપયોગ થાય છે. લારી-ગલ્લા અને હોટલોમાં ડુપ્લિકેટ ચીઝ અને પનીરનો ઉપયોગ વધ્યો છે, જે સીધી રીતે હૃદય અને પાચનતંત્રને નુકસાન કરે છે. દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ અને સ્ટાર્ચ જેવી મિલાવટ તથા શુદ્ધ ઘીના નામે ભેળસેળિયું કે 'ડુપ્લિકેટ' ઘી વેચાઈ રહ્યું છે.ઉનાળાની સિઝન શરૂ થતા ઠંડા પીણાં એટલે કે ગોલામાં વપરાતા કલરમાં પણ ક્યાંક ને ક્યાંક ભેળસેળ દેખાઈ રહી છે. આ ઉપરાંત, ઘણી જગ્યાએ વાનગીઓમાં કુદરતી મરચાને બદલે અતિશય તીખાશ લાવવા માટે જોખમી કેમિકલ વાપરવામાં આવે છે, જે લાંબા ગાળે અસાધ્ય બીમારીઓ નોતરે છે.ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ મૌન અને સુષુપ્ત અવસ્થામાં હોવાનો ઉલ્લેખ કરી, હોટલ અને લારીઓ પર વપરાતા પનીર, ચીઝ, બટર અને તેલના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવા માંગ કરાઈ છે. FSSAI ના લાયસન્સ વગર ચાલતા એકમો સામે માનવવધની કલમો લગાડી જરૂર પડે ફોજદારી ગુના દાખલ કરવા તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવા અપીલ કરાઈ છે. જો આ બાબતે સત્વરે પગલાં લેવામાં નહીં આવે, તો જનહિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #FoodAdulteration #FSSAI #ConsumerAwareness #MorbiDistrict #GujaratNews