પગાર વધારા અને મોબાઈલની માંગ સાથે આંગણવાડી બહેનોએ ગરબા રમીને વિરોધ નોંધાવ્યો : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકીમોરબી : પગાર વધારા અને મોબાઈલ આપવાની માંગ સાથે આંગણવાડી બહેનો છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન કરી રહી છે. આ આંદોલનના ભાગરૂપે મોરબી જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. મોરબી, ટંકારા, વાંકાનેર અને માળિયા એમ ચાર તાલુકાની કુલ ૬૦૦ જેટલી આંગણવાડીની બહેનો આ હડતાલમાં જોડાઈ છે.આજે આંગણવાડી બહેનોએ જુદા જુદા નારા લગાવી અને રાસ ગરબે રમીને અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બહેનોએ ગરબાના તાલે ગાયું હતું કે, 'હું તો કાગળિયા લખી લખી થાકી મોદીજી તારા મનમાં નથી, હું તો રેલીયું કરી કરી થાકી મોદીજી તારા મનમાં નથી, હું તો ધરણા કરી કરી થાકી મોદીજી તારા મનમાં નથી'. આવા ગીતો સાથે બહેનોએ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.આગામી ત્રણ દિવસ સુધી તમામ આંગણવાડીઓને તાળા મારી દેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને આ દિવસો દરમિયાન એક પણ આંગણવાડી ખુલશે નહીં. જો આગામી સમયમાં પણ તેમની માંગણીઓનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.શું કહે છે આંગણવાડી બહેનો?જીએકેએસ આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, “અમે ઘણા સમયથી સરકારને આવેદન આપી રહ્યા છીએ. અમારી ૧૯ પ્રકારની માંગણીઓ છે, જેમાં મુખ્યત્વે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો, ડિજિટલ કામગીરી માટે સારી કંપનીનો મોબાઈલ, અને પોષણ દરમાં વધારો સામેલ છે. સરકારે રોજ નવી એપ લાવવાને બદલે પોષણ દરમાં વધારો કરવો જોઈએ. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો અમે ત્રણ દિવસ માટે હડતાલ પર છીએ અને ત્યારબાદ વધુ ઉગ્ર આંદોલન કરીશું.' #Morbi #MorbiUpdate #AnganwadiStrike #MorbiNews #Gujarat #Protest #AnganwadiWorkers