યેશા ટાઇલ્સ ફેકટરીના ડાયરેક્ટરે ફેકટરી શરૂ ન થતા પ્લોટ આપવા સોદાખત કરી આપી પ્લોટ પણ અન્યને વેચી માર્યોમોરબી : સિરામિક હબ મોરબીમાં મંદીના મારને કારણે અનેક ફેકટરીઓ બંધ પડી છે ત્યારે જુના ઘુંટુ રોડ પર બંધ પડેલી ટાઇલ્સ ફેકટરીમાં ભાગીદાર બનવવાનું કહી ફેકટરીના ડાયરેક્ટરે રૂપિયા મેળવી બાદમાં ફેકટરી શરૂ ન થતા ફેક્ટરીની જમીનમાં પ્લોટ પાડી જમીન આપવા વાયદો કરી સોદાખત કરી આપી અન્યને આ જમીન વેચી નાખતા છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા જ્યેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા ઉ.43 નામના વેપારીએ મોરબીના રવાપર રોડ પર સાનિધ્ય પાર્કમાં રહેતા અને જૂના ઘુંટુ રોડ પર યેશા ટાઇલ્સ નામની ફેકટરી ધરાવતા આરોપી રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીની યેશા ટાઇલ્સ કંપની બંધ પડી ગઈ હોવાથી વર્ષ 2021માં ફેકટરીના ભાગીદાર બનાવવાની વાત કરી રૂ.33,50,000 તેમજ બાદમાં 86,05,708 મળી કુલ રૂપિયા 1, 19,55,708 જેટલી માતબર રકમ મેળવી લીધી હતી. જો કે, આટલી મોટી રકમ આપ્યા બાદ પણ ફેકટરીમાં ભાગીદાર નહિ બનાવી ફેકટરી ચાલુ કરી ન હતી.બાદમાં આરોપી રાજેન્દ્રકુમારે ફેકટરી ચાલુ નહિ થતા હવે ફેક્ટરીની જમીનમાં પ્લોટ પાડી પ્લોટનું સોદાખત કરી આપ્યું હતું.જો કે, બાદમાં સોદાખત કરેલ હોવા છતાં પણ પ્લોટ અન્યને વેચાણ કરી દેતા કરોડો રૂપિયાની ઠગાઈ મામલે અંતે જ્યેન્દ્રભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.