કોઈ પણ મજૂરને છૂટા કરાયા નથી, શટડાઉન દરમિયાન શ્રમિકોને મેન્ટેનન્સના કામે લગાવી દેવાયા : આટલા મોટા ઉદ્યોગમાં 200-500 શ્રમિકોની અવર-જવર સામાન્ય : મનોજભાઈ એરવાડિયાની સ્પષ્ટતા મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ અને સપ્લાયની અનિશ્ચિતતાને પગલે સિરામિક એસોસિએશન દ્વારા સર્વાનુમતે 20 થી 25 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ શટડાઉનની વચ્ચે શ્રમિકોના પલાયન અને તેમની બેરોજગારી અંગે ઊડી રહેલી અફવાઓ પર એસોસિએશને સ્પષ્ટતા કરી છે. એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે આ વેકેશન દરમિયાન કોઈ પણ શ્રમિકને બેરોજગાર કરવામાં આવ્યા નથી અને તેમની રોજગારી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.એસોસિએશને શ્રમિકોના મુદ્દે ખાસ ભાર મૂકતા પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ કહ્યું કે, ફેક્ટરીઓ ભલે પ્રોડક્શન બંધ રાખે, પરંતુ મશીનરી અને પ્લાન્ટના મેન્ટેનન્સનું કામ ચાલવાનું હોવાથી શ્રમિકોની જરૂરિયાત રહેશે જ. ફેક્ટરીના સુપરવાઇઝર, ઇન્ચાર્જ અને ઓફિસ સ્ટાફને તેમનું નિયમિત વેતન ચાલુ જ રહેશે. જ્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા શ્રમિકોને મેન્ટેનન્સમાં જોડી દેવાયા છે અથવા જે અન્ય પ્લાન્ટ હજુ ચાલુ છે ત્યાં શિફ્ટ કરીને તેમની રોજીરોટી છીનવાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોરબી જેવડા વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં રોજના 200 થી 500 મજૂરોની સામાન્ય આવનજાવન થતી જ હોય છે, જેને પલાયન માની લેવું તદ્દન ખોટું છે.હાલની સ્થિતિએ અંદાજે 430 જેટલી કંપનીઓ બંધ થઈ ચૂકી છે. જે કંપનીઓના ગુજરાત ગેસ સાથેના 80% એમજીઓ (MGO) કરાર પૂરા થતા જશે, તેમ તે 10 થી 15 એપ્રિલ સુધીમાં વારાફરતી બંધ થતી જશે. વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને નેચરલ ગેસના ભાવ ઊંચા અને અસ્થિર છે, જેના કારણે ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે.કોરોના કાળ બાદ આ પ્રથમ વખત છે જ્યારે એસોસિએશન લેવલે આટલો મોટો નિર્ણય લેવાયો છે. આગામી 20-25 દિવસ બાદ ગેસનો સપ્લાય અને ભાવ સ્થિર થાય ત્યારબાદ નવું કોસ્ટિંગ કાઢીને, નવા ભાવ સાથે ઉદ્યોગો ફરી ધમધમતા થશે.#MorbiUpdate #MorbiCeramic #CeramicIndustry #MorbiNews #LaborWorkers #Employment #GujaratGas #IndustrialShutdown #Morbi