મોરબી : મોરબી તાલુકાના રવાપર (નદી) ગામના એક ખેડૂતે નર્મદા કેનાલના અધૂરા કામ મામલે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતની ફરિયાદ છે કે જમીન કપાતનું વળતર ૮-૯ વર્ષ પહેલાં મળી ગયું હોવા છતાં આજદિન સુધી કેનાલનું (ધોરિયાનું) કામ પૂર્ણ થયું નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈના લાભથી વંચિત રહેવું પડે છે.રવાપર (નદી) (શક્તિનગર) ના ખાતેદાર ખેડૂત પ્રતાપસિંહ રામસંગજી ઝાલાએ સૌરાષ્ટ્ર શાખા નહેર મોરબીના નાયબ કાર્યપાલક ઈજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના ખેતરના શેઢેથી નાની કેનાલ (ધોરિયા) નું સર્વે કરવામાં આવ્યું હતું. જેનું જમીન કપાતનું વળતર ૮ થી ૯ વર્ષ પહેલાં ચૂકવી દેવામાં આવ્યું છે. આમ છતાં આજદિન સુધી કામ પૂર્ણ થયેલ નથી.વધુમાં જણાવાયું છે કે, ગત વર્ષે કોઈ કારણોસર આ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ખેતરમાં માટી પણ નાખવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કામ અધૂરું મૂકીને બંધ કરી દેવામાં આવ્યું હતું. નર્મદા કેનાલ આવ્યાને ૮-૯ વર્ષનો સમય વીતી ગયો છે અને આ નાની કેનાલનું કામ ખૂબ નાનું હોવા છતાં હજુ સુધી પૂર્ણ કરવામાં આવતું નથી.હાલ ચોમાસાને માત્ર ત્રણથી ચાર મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ખેડૂતે ચોમાસા પહેલા આ કેનાલનું કામ પૂર્ણ કરવા માંગ કરી છે જેથી તેઓને સિંચાઈનો પૂરતો લાભ મળી શકે. #Morbi #MorbiUpdate #MorbiNews #FarmersIssue #NarmadaCanal #GujaratFarmers