મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ ૧૦ની પરીક્ષા અંતર્ગત સંસ્કૃત વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. સંસ્કૃત વિષયના શિક્ષક વિવેકભાઈ શુકલ દ્વારા આ પ્રશ્નપત્રનું સચોટ એનાલિસિસ કરવામાં આવ્યું છે, જેમાં એકંદરે આખું પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય આધારિત જ રહ્યું હોવાનું તારણ આપવામાં આવ્યું છે.પ્રશ્નપત્રના વિવિધ વિભાગોની વાત કરીએ તો, વિભાગ A સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત હતો અને તેમાં પૂછાયેલ ગદ્યખંડનો અનુવાદ એકદમ સરળ હતો. વિભાગ B માં શ્લોકના અનુવાદ સીધા જ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાંથી પૂછવામાં આવ્યા હતા અને શ્લોક પૂર્તિ પણ વિદ્યાર્થીઓ માટે સરળ રહી હતી.વિભાગ C ની વાત કરીએ તો, તેમાં નાટ્યનો અનુવાદ અને પ્રશ્નો પણ સ્વાધ્યાય આધારિત જ હતા. આ વિભાગમાં સંસ્કૃત વાક્ય રચના પણ વિદ્યાર્થીઓને આસાનીથી આવડી જાય તેવી હતી, જેથી એકંદરે વિભાગ C સરળ રહ્યો હતો. આ ઉપરાંત વ્યાકરણના વિભાગ D માં અગાઉના વર્ષોના પ્રશ્નપત્ર આધારિત ઘણા પ્રશ્નો જોવા મળ્યા હતા અને તે મહદ અંશે સરળ રહ્યો હતો. જ્યારે વિભાગ E માં કથાનકને ક્રમ અનુસાર ગોઠવવાથી લઈને અર્થ વિસ્તાર સુધીના તમામ પ્રશ્નો સરળ રહ્યા હતા.વિષય નિષ્ણાત વિવેકભાઈ શુકલના જણાવ્યા અનુસાર, એકંદરે આખું પ્રશ્નપત્ર મધ્યમથી સરળ કક્ષાનું હતું. જે બાળકોએ પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય તેમજ વ્યાકરણની બુકનો પદ્ધતિસર અભ્યાસ કર્યો હશે, તેમને આ પેપર ખૂબ જ સરળ લાગ્યું હશે અને તેઓ સારા ગુણ પ્રાપ્ત કરી શકશે.#Morbi #MorbiUpdate #MorbiNews #BoardExam #GSEB #Std10 #SanskritPaper #PaperAnalysis #EducationNews