વાંકાનેર : મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગાયત્રી ઉપાસક મણીભાઈ ગડારા દ્વારા ગત તા. 13-03-2026 ને શુક્રવારના રોજ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે આવેલા બહેનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન એમ. મણીયાર, જાગૃતિબેન ગઢીયા, કંચનબેન કાનાણી તેમજ આનંદ ગરબા અને સત્સંગ મંડળના બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં ઉપાસક અશ્વિનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. અહીં અન્નપૂર્ણા ટિફિન સેવા, વાત્સલ્ય મંદિરમાં મંદબુદ્ધિ તથા દિવ્યાંગ બાળકોની સેવા, ધોરણ 1 થી 9 સુધીના બાળકોને મફત શિક્ષણ, આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ તેમજ ગૌશાળાની સેવા જેવી માનવતાલક્ષી અનેકવિધ કામગીરીઓ અવિરત ચાલે છે.આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ પાછળ સંસ્થાનો રોજિંદો ખર્ચ આવક કરતાં વધુ હોવાથી, સંસ્થાને સહાયરૂપ થવાના શુભ આશયથી પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કથા આગામી તા. 29-03-2026 થી રાત્રિના સમયે યોજાશે. આ કથાનું રસપાન પાયલબેન પટેલ કરાવશે, જેઓ પોતાની પ્રેરણાદાયી શૈલીમાં શ્રોતાઓને આધ્યાત્મિક જ્ઞાન પીરસશે.આ કથા દરમિયાન એકત્ર થનાર તમામ ફાળો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવશે. આ સુંદર આયોજન થકી સમાજમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.#Vankaner #GayatriShaktipeeth #Morbi #PragyaPuranKatha #SocialService #MorbiUpdate #VankanerNews #GujaratNews #Charity #Humanity