તાજેતરમાં મોબાઈલ મળવાના બે કિસ્સાઓ સામે આવ્યા હતા : અંદાજે દોઢેક કલાક જેલનું નિરીક્ષણ કર્યા બાદ જેલ રેન્જ આઈજી બાદ એ ડિવિઝન પહોંચ્યામોરબી: મોરબી સબ જેલમાં આજે જેલ રેન્જ આઈજી ગિરીશ પંડ્યા ઓચિંતા મુલાકાતે આવ્યા છે. તેઓ દ્વારા અંદાજે દોઢ કલાક સુધી સબ જેલનું નિરીક્ષણ કરવાની સાથે જેલ સ્ટાફ સાથે બેઠક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સબ જેલમાંથી વારંવાર પ્રતિબંધિત સામગ્રી મળી રહી છે. તાજેતરમાં જ મોબાઈલ ફોન મળી આવવાના બે કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા દિવસો અગાઉ જેલમાંથી બે કીપેડ ફોન મળી આવ્યા હતા, જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ, બે દિવસ પહેલા જ જેલની બહારથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એક પોટલું જેલની અંદર ફેંકવામાં આવ્યું હતું. જોકે, ફરજ પરના સતર્ક કર્મચારીઓએ તેને જપ્ત કરી લીધું હતું. આ પોટલાની તલાશી લેતા તેમાંથી એક કીપેડ મોબાઈલ, બીડી, તમાકુ અને ચૂનાની ટોટી જેવી વસ્તુઓ મળી આવી હતી. આ મામલે પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ પ્રકારની ઘટનાઓને પગલે આજે રેન્જ આઈજી ગીરીશ પંડ્યા મોરબી સબ જેલ ખાતે પહોંચ્યા હતા. તેઓએ દોઢેક કલાક જેલનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મોરબી જિલ્લા પોલીસ વડા (એસપી) અને પીઆઇ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો પણ જેલમાં પહોંચ્યો હતો. વધુમાં આ ચેકીંગ બાદ તેઓ એ ડિવિઝન પોલીસ મથકે પણ ગયા હોવાનું જાણવા મળે છે.#Morbi #MorbiUpdate #MorbiSubJail #MorbiPolice #JailChecking #GujaratPolice #CrimeNews #MorbiNews