દાતાઓનું સન્માન, ગામ સમસ્ત સમૂહ ભોજનનું આયોજન કરાયું મોરબી : આમરણ (ચોવીસી) ના ડાયમંડ નગર ખાતે આવેલ કાશીબેન દામજીભાઈ ગૌશાળામાં ગૌદર્શન અને દાતાઓના સહયોગથી રૂ. ૧ કરોડ ૩૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ કામો મુખ્ય દાતાઓના હસ્તે અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગામ સમસ્ત સમૂહપ્રસાદ તથા 'કાનુડો' ગોપીમંડળ રાસનો કાર્યક્રમ યોજાયો હતો. મૂળ આમરણના વતની અને હાલ બહારગામ સ્થાયી થયેલા પરિવારો તેમજ સાસરે વળાવેલી દીકરીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં ગૌભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગ માત્ર ગૌદર્શન અને ગૌશાળામાં થયેલા વિકાસ કામોથી દાતાઓ અને ગ્રામજનોને અવગત કરાવવાના હેતુથી યોજાયો હોવાથી, કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારનો ફાળો સ્વીકારવા પર પાબંધી રાખવામાં આવી હતી. આ તકે દાતાઓનું શાલ ઓઢાડી અને ફુલહાર કરી જાહેર સન્માન કરાયું હતું.આ કાર્યક્રમમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ હરજીવનભાઈ ભાડજા, બાબુભાઈ ગડારા, મગનભાઈ રૈયાણી, ધનજીભાઈ સવસાણી, પ્રવીણભાઈ કાસુન્દ્રા, જયંતિભાઈ લીખિયા, હસમુખભાઈ ગાંભવા અને લીંબાભાઈ કાસુન્દ્રા વગેરેએ ખાસ હાજરી આપી હતી. આ તકે મુખ્ય દાતાઓ સ્વ. છગનભાઈ જાદવજીભાઈ લીખિયા પરિવાર, સ્વ. જીવરાજભાઈ પરબતભાઈ ગડારા પરિવાર અને સ્વ. સુનીતાબેન ચુનીભાઈ ગજેરા પરિવારના હસ્તે નવનિર્મિત કામો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કામોમાં ગૌમાતા માટેના ૨ આધુનિક શેડ, રૂ. ૭૫ લાખની કિંમતની ૩ વીઘા જમીન, ગૌશાળા ફરતે વંડી, પાણી સંગ્રહ માટેની વિશાળ ભૂગર્ભ ટાંકી અને પાણીના અવાડા વગેરેનો સમાવેશ થાય છે.પ્રસંગ દરમિયાન લમ્પી વાયરસથી ગૌલોક પામેલ ગૌશાળાના નંદી જશમત મહારાજ તથા ગૌમાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ ખાતેના સ્પીપા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પરેશભાઈ દલસાણિયાએ ગૌમાતાના દૂધનું અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.ગૌશાળાના મંત્રી અરવિંદભાઈ કાસુન્દ્રાએ વાર્ષિક નાણાકીય અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગૌશાળામાં હાલ 550 જેટલી નિરાધાર ગૌમાતા આશ્રય લઈ રહી છે, જેનો દૈનિક નિભાવ ખર્ચ અંદાજે રૂ. ૫૦ હજાર જેટલો થાય છે. ગૌશાળા દ્વારા વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ દાતાઓના દાન થકી થયેલ આવક-જાવકનો પારદર્શક હિસાબ જાહેર કરાયો હતો. ગૌશાળામાં જંગી ખર્ચ હોવા છતાં રૂ. ૬૬ લાખની જમા સિલકના અહેવાલને સૌએ વધાવીને ખુશી વ્યક્ત કરી હતી અને દાતાઓનો ધન્યવાદ માન્યો હતો.ગૌશાળામાં ગામના યુવાનો દ્વારા ધંધા-રોજગારમાંથી કિંમતી સમય ફાળવીને, રાત-દિવસ નિઃસ્વાર્થ ભાવે થઈ રહેલ ગૌમાતાની સેવા-સુશ્રુષાને વક્તાઓએ બિરદાવી હતી. બાબુભાઈ કાસુન્દ્રા, મહેશભાઈ કાસુન્દ્રા, રાજેશભાઈ અને કેતનભાઈ વગેરે અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિહિપ અગ્રણી ભરતભાઈ ભાલોડિયા તથા ચંદુભાઈ કાસુન્દ્રાએ કર્યું હતું.#Morbi #Amran #Gaushala #GauMata #MorbiUpdate #MorbiNews #GujaratNews #SocialWork #Charity #Gaudarshan