ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે એકેય ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચ્યા, હવે ચૂંટણી દ્વારા નક્કી થશે નવા પ્રમુખમોરબી : મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે નવા પ્રમુખની વરણી માટે ચૂંટણીનો માહોલ સર્જાયો છે. પ્રમુખ પદ માટે કુલ ત્રણ ઉદ્યોગકારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આગામી સમયમાં વોલ ટાઇલ્સ એસોસિએશનના સભ્યો દ્વારા મતદાન કરીને નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે.મોરબીના વિશ્વકક્ષાના સિરામિક ઉદ્યોગમાં જુદા જુદા વિભાગો માટે ચાર ડિવિઝન કાર્યરત છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશન, ફ્લોર ટાઇલ્સ એસોસિએશન, વિટ્રિફાઇડ એસોસિએશન અને સેનેટરીવેર એસોસિએશન. આ પૈકી વોલ ટાઇલ્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષ (બે ટર્મ)થી કાર્યરત છે અને આગામી 31 માર્ચના રોજ તેમની ટર્મ પૂરી થઈ રહી છે.સામાન્ય રીતે સિરામિક એસોસિએશનમાં ચૂંટણી (ઇલેક્શન) કરતા સર્વસંમતિથી પસંદગી (સિલેક્શન) કરવાનો આગ્રહ વધુ રાખવામાં આવતો હોય છે. વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પણ પ્રમુખ પદ માટે ચૂંટણી ન યોજાય અને સિલેક્શન થાય તે માટે એસોસિએશનના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગકારો દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, એક કરતાં વધુ ઉદ્યોગકારોએ દાવેદારી નોંધાવતા અંતે ચૂંટણી અનિવાર્ય બની છે.પ્રમુખ પદ માટે કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરાએ ફોર્મ ભર્યા છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી આ ત્રણ ઉમેદવારોમાંથી કોઈએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું ન હતું. આથી, હવે આ ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મોરબી અને આસપાસના વિસ્તારમાં આવેલા 160થી વધુ વોલ ટાઇલ્સ કારખાનાના માલિકો કે જેઓ એસોસિએશનના સભ્ય છે, તે આગામી દિવસોમાં મતદાન કરીને પોતાના નવા પ્રમુખને ચૂંટી કાઢશે.#MorbiUpdate #MorbiCeramicAssociation #WallTilesDivision #MorbiNews #CeramicIndustryMorbi #MorbiElection