ખેડૂત નેતાની દરમિયાનગીરીથી કામ અટકાવવામાં આવ્યુંમાળિયા (મિયાણા) : માળિયા તાલુકાના રાસંગપર ગામે આજે એક ખેડૂતના ખેતરમાં અદાણી જામનગર ટ્રાન્સમિશનની ૭૬૫ કેવીની હેવી વીજલાઈનની કામગીરી કરવા માટે કંપનીના કર્મચારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા. ખેતરના માલિક આવે તે પહેલાં જ કંપની દ્વારા જાણે પોતાની માલિકીની જમીન હોય તેમ જેસીબી વડે કામગીરી શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ ઘટના અંગે ખેડૂતોએ તાત્કાલિક લડાયક ખેડૂત નેતા મહેશ રાજકોટીયાને જાણ કરી હતી. જેથી તેઓએ દરમિયાનગીરી કરી તાત્કાલિક ધોરણે કામ બંધ કરવાની ફરજ પાડી હતી. તમામ મશીનરી અને અદાણી કંપનીના સ્ટાફને ખેતરની બહાર નીકળી જવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સૂચનાનો અમલ નહીં થાય તો રૂબરૂ આવવું પડશે.ખેડૂતો તરફથી સ્પષ્ટ શબ્દોમાં કંપનીને જણાવી દેવામાં આવ્યું હતું કે, ખેડૂતો સાથે બેઠક કર્યા વગર કોઈ કામ નહીં થાય. તેમજ ખેડૂતો જે વળતર માંગે તે ચૂકવવાની તૈયારી હોય તો જ કામ આગળ વધશે. આ આક્રમક વલણ અને ઉગ્ર વિરોધને પગલે કંપનીએ સોમવારે ખેતરના માલિક સાથે બેઠક કરવાની ખાતરી આપી હતી. હાલમાં ખેતરમાં ચાલતી તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ તથા કંપનીના સ્ટાફને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી હતી.આ ઘટના બાદ ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરકારને જેવા ઓર્ડર કરવા હોય તેવા કરે, પરંતુ મોરબી જિલ્લામાં ખેડૂતોની મંજૂરી વગર વીજલાઈનના કોઈ પણ કામ કરવા દેવામાં નહીં આવે તે વાત નિશ્ચિત છે.#Morbi #MorbiUpdate #Maliya #Rasangpar #FarmersProtest #AdaniPowerline #MaheshRajkotiya #FarmersRights #GujaratNews #MorbiNews