બહેનના પરિચિત એવા અમરેલીના શખ્સે હોલમાર્ક વાળા દાગીના આપવાનું કહી નકલી પધરાવી દીધાવાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા યુવક અને તેમના માતાને સોનાના હોલમાર્ક વાળા દાગીના સસ્તામાં આપવાની લાલચ આપી અમરેલીના શખ્સે ચોટીલા બાઉન્ડ્રી નજીક દાગીના જોવા બોલાવી બાદમાં આઠ લાખની કિંમતના દાગીના પાંચ લાખના આપવાનું નક્કી કરી હોલમાર્ક વાળા દાગીનાને બદલે નકલી દાગીના ધાબડી નાસી જતા ત્રણ માસ પૂર્વેના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં ડો.દેલવાડિયા દવાખાના સામે રહેતા સતીષ હરસુખલાલ ચારોલીયા ઉ.25 નામના યુવકે આરોપી રામકુભાઈ માથાસૂરિયા અને અન્ય બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,ફરિયાદીના બહેનના પરિચિત એવા આરોપી રામકુભાઇના પત્ની ગુજરી જતા તેમને દાગીના વેચી નાખવા હોવાથી સતિષભાઈને દાગીના ખરીદવા કહ્યું હતું.બાદમાં ગત તા.23 જાન્યુઆરીના રોજ આરોપી રામકુ અને તેની સાથે બે અજાણ્યા ઈસમો વાંકાનેર બાઉન્ડ્રી નજીક ખોડિયાર ચાની હોટલે આવ્યા હતા.જ્યાં દાગીના બતાવ્યા હતા અને આઠ લાખના દાગીના રકઝકના અંતે પાંચ લાખના આપવાનું નક્કી કર્યું હતું.જેથી સતીષ અને તેમના માતાએ દાગીના ચેક કર્યા વગર રૂ.5 લાખ આપી દાગીના ખરીદ્યા હતા.જો કે, બાદમાં દાગીના હોલમાર્ક વાળાને બદલે નકલી નીકળતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.