ઉદ્યોગકારો ઉંચા ભાવે ગેસ ખરીદ કરી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ચલાવવા કરતા એક મહિનો વેકેશન લેવાના મૂડમાંમોરબી : ઈરાન પર ઇઝરાઈલ અને અમેરિકાએ કરેલા હુમલા બાદ મધ્યપૂર્વમાં તંગ પરિસ્થિતિને કારણે ગેસની અછત સર્જાતા હાલમાં મોરબીના 200થી વધુ સિરામિક એકમો બંધ થયા છે અને હજુ પણ આગામી અઠવાડિયામાં 90 ટકા એકમો પણ બંધ થવાની શકયતા જોવાઇ રહી છે. જો કે, વર્તમાન સ્થિતિમાં ઉંચા ભાવે ગેસ ખરીદી ઇન્ડસ્ટ્રીઝ ચલાવવા કરતા ઉદ્યોગ બંધ રાખવા મોટાભાગના ઉદ્યોગકારોએ મન બનાવી લીધું હોવાથી અઠવાડિયા બાદ ગેસના ભાવની સ્થિતિ જોઈ ઉદ્યોગકારો એક મહિના માટે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સ્વૈચ્છીક શટડાઉન અમલી બનાવે તેવા અણસાર મળી રહ્યા છે. હાલ ગેસની અછતને પગલે કદાચ બ્રાન્ડેડ નામી કંપનીઓને પણ પ્રોડક્શન બંધ રાખવું પડે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ક્લસ્ટરને ઈરાન - ઇઝરાઈલ યુદ્ધ અને મધ્યપૂર્વના દેશમાં સર્જાયેલ અશાંત સ્થિતિએ હચમચાવી નાખ્યો છે. ખાડી દેશોમાં યુદ્ધના માહોલમાં ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાંથી ઓઇલ - ગેસના ટેન્કરોની આવન - જાવન પર રોક લગાવી દેતા પ્રોપેન - એલેનજી પર આધારિત ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાની કગાર પર છે. બીજી તરફ સરકારે પાઇપ લાઇન મારફતે ગેસ મેળવતા ઉદ્યોગોને છેલ્લા છ મહિનાના સરેરાશ 80 ટકા જથ્થો ફાળવવા નક્કી કર્યું છે. જો કે, ઉંચા ભાવે ગેસની ખરીદીને લઈ પ્રોડક્શન કોસ્ટ ઉંચી જતા મોટા ભાગના ઉદ્યોગો એક મહિનાના શટડાઉનના મૂડમાં હોવાનું ઉદ્યોગકાર સૂત્રો જણાવી રહ્યા છે.યુદ્ધની સ્થિતિ શાંત પડ્યા બાદ ખાડી દેશોમાં ડિમાન્ડ નીકળવાની આશામોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વર્ષે દહાડે 21થી 22 હજાર કરોડની નિકાસ કરે છે જેમાં ખાડી દેશોમાં જ 25 ટકા જેટલો માલ જતો હોય વર્ષે અંદાજે 5200 થી 5300 કરોડનું એક્સપોર્ટ થાય છે. હાલમાં ખાડીના દેશો મા એક્સપોર્ટ સદંતર બંધ જેવી સ્થિતિ છે તેમજ આગામી એક મહિનો ઉદ્યોગ બંધ રહે તો ખાડી દેશોમાં જ ડિમાન્ડ નીકળવાની આશા કેપેકસીએલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ આશા વ્યક્ત કરી હતી.શિપિંગ કંપનીઓએ ઝીંકેલો આશરે 60 થી 70 કરોડના સરચાર્જ મુદ્દે સરકારમાં રજુઆત કરાશેમોરબીના અગ્રણી એક્સપોર્ટર અને કેપેકસીએલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, હાલમાં મિડલ ઇસ્ટમાં તંગ પરિસ્થિતિમાં સિરામિક પ્રોડકટનું એક્સપોર્ટ ઠપ્પ થઈ ગયું છે. હાલમાં મોરબીના 1500 કન્ટેનર દરિયામાં, પોર્ટમાં કે, ગતવ્ય સ્થાને પહોંચવામાં છે તેવા સમયે જ શિપિંગ કંપનીઓએ 2 હજાર ડોલર થી લઇને 4 હજાર ડોલર જેટલો સરચાર્જ ઝીકી દેતા મોરબીના સિરામિક ઉદ્યોગ તેમજ મરચન્ટ એક્સપોર્ટરો પર 60 થી 70 કરોડનું વધારાનું ભારણ આવી પડતા આ મુદ્દે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવશે.પ્રોપેન આધારિત 400 જેટલા સિરામિક એકમો બંધ થવાની શક્યતા : પ્રમુખસિરામિક હબ મોરબીમાં હાલમાં 700 જેટલા સિરામિક એકમો આવેલા છે જે પૈકી 400 જેટલા સિરામિક એકમો પ્રોપેન આધારિત હોવાથી ગેસની અછત વચ્ચે 200 જેટલા એકમો અગાઉ બંધ થયા હતા અને બાકીના યુનિટ પણ બંધ કરવા પડે તેવી સ્થિતિમાં હોવાનું મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગેસ પુરવઠાની વૈશ્વિક કટોકટી વચ્ચે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવી મુશ્કેલ હોય અગાઉ એસોસિએશન દ્વારા સ્વૈચ્છીક શટડાઉનનો પ્રસ્તાવ મુકાયો હતો જેથી જે ઉદ્યોગકારોને હિતાવહ લાગશે અને અનુકૂળતા હોય તે પ્રમાણે નિર્ણય લઇ શકે છે.પૂરતા પ્રમાણમાં નીચા ભાવે ગેસ મળે ત્યારે સીરામીક ઉદ્યોગ ફરી બંબાટ દોડશે હાલમાં મધ્યપૂર્વમાં તંગ સ્થિતિમાં ગેસની કટોકટીને કારણે સીરામીક ઉદ્યોગની કમરતૂટી જાય તેવી સ્થિતિ છે. ઉંચા ભાવ આપવા છતાં પૂરતો ગેસનો પુરવઠો નથી જેથી સીરામીક ઉદ્યોગકારોને મધ્યપૂર્વમાં શાંતિ બાદ પુરતા પ્રમાણમાં ગેસનો પુરવઠો નીચા ભાવે મળતો થાય ત્યાર બાદ જ પાટાપરથી ઉતરી ગયેલી સિરામિકની ગાડી ફરી બંબાટ દોડતી થાય તેમ હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.મોરબીમાં દૈનિક 70 લાખ બોક્સ ટાઇલ્સનું ઉત્પાદન મોરબી સીરામીક ક્લસ્ટરમાં કુલ 700 જેટલી ફેકટરીઓમાં દૈનિક 70 લાખ બોક્સ ટાઇલ્સનું ઉત્પાદન થાય છે. હાલમાં 200 ફેકટરીઓ બંધ થતા ઉત્પાદન ઘટીને 50 લાખ બોક્સ થયું છે. એક બોક્સમાં અંદાજે 10થી 14 સ્કવેર ફૂટ ટાઇલ્સ હોય છે.પ્રોપેન-એલએનજી ગેસ પ્રોવાઇડર મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રીઝને મુખ્યત્વે આઇઓસીએલ, બીપીસીએલ, એચપીએલ, એઇજીસ મુખ્ય ગેસ કંપની ગેસ સપ્લાય કરે છે. સાથેજ પાઈપલાઈન નેટવર્ક મારફતે ગુજરાત ગેસ નેચરલ ગેસ પૂરો પાડે છે.જો કે, હાલમાં માત્ર એઇજીસ, આઇઓસીએલ પાસે જ પ્રોપેન ઉપલબ્ધ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં દૈનિક ગેસની જરૂરિયાત મોરબીમાં કુલ 700 સીરામીક ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે જેમાં 70 ટકા એટલે કે,ન 400 જેટલી ફેકટરીઓ પ્રોપેન અને પાઈપલાઈન ગેસ પર આધારિત છે જયારે બાકીની 300 ફેકટરીઓ ગુજરાત ગેસ આધારિત છે. દૈનિક 55 લાખ ક્યુબિક મીટર પ્રોપેન અને 25 લાખ ક્યુબિક મીટર પાઈપલાઈન નેચરલ ગેસનો ઉપયોગ થાય છે.હાલમાં ગુજરાત ગેસ દૈનિક 25 લાખ કયુબિક મીટર ગેસ સપ્લાય કરે છે. પ્રોપેન ગેસ જેમની પાસે સ્ટોક છે ત્યાં સુધી જ ચલાવી શકશે.ભૂતકાળમાં બે વખત શટડાઉન થયો હતો સીરામીક ઉદ્યોગ સીરામીક ઉદ્યોગ સતત 365 દિવસ અને 24 કલાક ચાલતો ઉદ્યોગ છે અત્યાર સુધીમાં કોરોના મહામારી સમયે વર્ષ 2020માં એકથી દોઢ મહિનો સીરામીક ઉદ્યોગ શટડાઉન થયો હતો. બાદમાં મંદીના પગલે વર્ષ 2023માં પ્રોડક્શન કાપવા માટે પણ કેટલાક ઉદ્યોગોએ એક મહિના માટે સ્વૈચ્છિક શટડાઉન લીધું હતું.