આ જગ્યા રમત ગમતના મેદાન અને સામાજિક- ધાર્મિક પ્રસંગો તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી અહીં શાકભાજી માર્કેટ બનાવવાનો નિર્ણય રદ કરો : ગ્રામજનોનું કલેક્ટરને આવેદનમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર ગામમાં શાકભાજી માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણયનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રવાપર ગામના સમસ્ત રહીશો દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને એક જનહિત અરજી પાઠવીને આ જગ્યાએ શાકમાર્કેટ બનાવવાનો નિર્ણય રદ કરવા રજૂઆત કરવામાં આવી છે.ગ્રામજનો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે, રાજાશાહી વખતે રવાપર ગામનાં વડવાઓને મળેલ ગામના પાદરની ખરાબાની જગ્યાનો લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેર ખુલ્લા મેદાન તરીકે ઉપયોગ થાય છે. આ સ્થળે ગામના વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આ ઉપરાંત, આ જગ્યા રવાપર ગામની પ્રાથમિક સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રમવા માટેનું એકમાત્ર મેદાન છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે.હાલમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે. ગ્રામજનોની રજૂઆત છે કે જો આ યોજના અમલમાં મુકવામા આવશે તો શાળાના બાળકો માટેનું એકમાત્ર રમવાનું મેદાન નષ્ટ થઈ જશે અને ગામની મહત્વપૂર્ણ જગ્યા ખતમ થઈ જશે.આથી, રવાપર ગામના ગ્રામજનોએ માંગ કરી છે કે બાળકોના હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને શાકભાજી માર્કેટ બનાવવાનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને શાકભાજી માર્કેટ માટે અન્ય કોઈ યોગ્ય વૈકલ્પિક સ્થળ પસંદ કરવામાં આવે. આ રજૂઆતની નકલ મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયને પણ મોકલવામાં આવી છે.આ શાક માર્કેટથી ગ્રામજનોને કોઈ ફાયદો થવાનો નથી : માજી સરપંચમાજી સરપંચ સંજયભાઈ અઘારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રવાપર ગામના પાદરમાં નગરપાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવાની કામગીરી થવા જઈ રહી છે, પરંતુ ગ્રામજનો તેનો સખત વિરોધ કરે છે. અહીં આસપાસ સોસાયટી વિસ્તાર આવેલો છે અને આ જગ્યા પર કથા, સપ્તાહ તેમજ રામ અને કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા જેવી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાય છે. પાદરમાં જ તાલુકા શાળા આવેલી છે, જેમાં 350 થી 400 જેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે. જો અહીં શાક માર્કેટ બનશે તો શાળાના બાળકો માટે રમવા માટેની કોઈ જગ્યા વધશે નહીં. આ શાક માર્કેટથી ગ્રામજનોને કોઈ ફાયદો થવાનો નથી અને તે કોઈ કામમાં પણ નહીં આવે. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના આવેદનપત્રનું કોઈ પરિણામ નહીં આવે, તો આગામી દિવસોમાં કાયદાકીય રાહે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Ravapar #MorbiNews #GujaratNews #PublicProtest #SavePlayground #MorbiCollector #MorbiMunicipalCorporation