શટડાઉનની તકનો લાભ લઈ લાંબા સમયથી રજા પર ન ગયેલા પરપ્રાંતીય શ્રમિકો સ્વેચ્છાએ પોતાના વતન જઈ રહ્યા છે, શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ઉદ્યોગકારો સક્રિય : રેલવે સ્ટેશને શ્રમિકોનો ધસારો વધ્યોમોરબી: સિરામિક નગરી મોરબીમાં ગેસ સંકટને કારણે અંદાજે 200 જેટલા સિરામિક ઉદ્યોગો શટડાઉન થયા છે. ગેસ સપ્લાયના અભાવે આ ફેક્ટરીઓમાં ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. જોકે, ઉત્પાદન પ્રક્રિયા થંભી જતા મોટાભાગના સિરામિક એકમોએ આ સમયગાળાનો સદુપયોગ કરી ફેક્ટરીઓમાં મેઈન્ટેનન્સનું કામ શરૂ કરી દીધું છે. અમુક શ્રમિકો આ મેઈન્ટેનન્સ વર્કમાં લાગ્યા છે. તો અમુકે વતન તરફ પ્રયાણ શરૂ કર્યું છે.સિરામિક એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, શટડાઉનની આ સ્થિતિમાં શ્રમિકોને હાલ પૂરતી કોઈ તકલીફનો સામનો કરવો પડી રહ્યો નથી. ઉત્પાદન બંધ હોવાથી મોટાભાગના શ્રમિકોને રોજગારીના ભાગરૂપે મેઇન્ટેનન્સના કામે લગાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ, આ શટડાઉનના કારણે ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને ઓડિશા જેવા દૂરના રાજ્યોમાંથી મોરબીમાં રોજીરોટી કમાવવા આવેલા શ્રમિકો માટે આ સમય અનુકૂળ સાબિત થયો છે. જે શ્રમિકો ઘણા લાંબા સમયથી રજા પર નહોતા ગયા, તેઓ આ શટડાઉનની તકનો લાભ લઈને સ્વેચ્છાએ પોતાના વતન આંટો મારવા જઈ રહ્યા છે.ઉદ્યોગોમાં કામગીરી બંધ હોવા છતાં, શ્રમિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમની પ્રાથમિક જરૂરિયાતો સચવાઈ રહે તે માટે તમામ ઉદ્યોગકારો સક્રિય રહીને પૂરતું ધ્યાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા શ્રમિકો શટ ડાઉનને પગલે પોતાના વતન જઈ રહ્યા છે. જેથી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં શ્રમિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.છેલ્લા પાંચેક દિવસથી રેલવે સ્ટેશને મુસાફરોના ટ્રાફિકમાં 50થી 60 ટકાનો વધારોરેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ-છ દિવસથી મુસાફરી કરતા શ્રમિકોનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. સવારે 10થી 4 ના સમયગાળા દરમિયાન બંધ રહેતી ડેમુ ટ્રેન આજથી ફરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે પણ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સ્ટેશન પર ટ્રાફિકમાં 50 થી 60 ટકા જેટલો વધારો નોંધાયો છે. મોરબીથી મોટાભાગના લોકો ડેમુ ટ્રેન મારફતે વાંકાનેર થઈને આગળની સફર કરતા હોય છે. રેલવેના જનરલ કાઉન્ટરની આવક બમણી થઈરેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી સ્ટેશનમાં અગાઉ રિઝર્વેશન અને ટિકિટની એવરેજ આવક 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી રહેતી હતી, જે અત્યારે વધીને 1.5 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. શ્રમિકો વતન જવા માટે મોટાભાગે અગાઉથી રિઝર્વેશન કરાવવાના બદલે સીધી જનરલ ટિકિટ લઈને જ મુસાફરી કરતા હોય છે. આથી જનરલ ટિકિટ કાઉન્ટરની આવક જે પહેલા 5 થી 10 હજાર રૂપિયાની થતી હતી, તે અત્યારે વધીને 15 થી 20 હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiCeramic #CeramicIndustry #Shutdown #GasShortage #IndustrialNews #GujaratNews #MorbiNews