મોરબી : ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ટંકારાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશ બસિયા દ્વારા આગામી ૧૩ થી ૨૧ માર્ચ સુધીની સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટેની હવામાનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન મોરબી, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અસ્થિરતા સર્જાશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા કે ભારે ઝાપટાં પડી શકે છે.માવઠાની શક્યતા: ૧૮ માર્ચે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ઉત્તર ભારતને અસર કરશે. સાથે જ બંગાળની ખાડીના ભેજવાળા પવનોને લીધે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસા જેવો માહોલ બનશે. જેના પરિણામે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવશે અને કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.વાદળછાયું વાતાવરણ: ૧૩ થી ૧૫ માર્ચ સુધી આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, પરંતુ ૧૬ થી ૨૧ માર્ચ સુધી આકાશમાં વાદળોની અવરજવર સતત ચાલુ રહેશે.ઝાકળવર્ષાની આગાહી: પશ્ચિમના પવનો અને વધુ ભેજને કારણે ૧૩ થી ૧૮ માર્ચ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મોરબી અને રાજકોટ વિસ્તારોમાં હળવીથી મધ્યમ અને અમુક દિવસોમાં તીવ્ર ઝાકળવર્ષા જોવા મળી શકે છે. તીવ્ર ઝાકળને કારણે વિઝિબિલિટી (દૃષ્ટિગોચરતા) ઘટી શકે છે.પવનની દિશા: ૧૩ થી ૧૭ માર્ચ સુધી પવન પશ્ચિમ દિશાનો રહેશે, જ્યારે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન વાતાવરણમાં અસ્થિરતાને કારણે પવનની દિશા સતત બદલાતી રહેશે.તાપમાનમાં ઘટાડો: તાપમાનની વાત કરીએ તો, ૧૭ માર્ચ સુધી મહત્તમ તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ (સામાન્ય નજીક) રહેશે. ત્યારબાદ ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે તાપમાન ઘટીને સામાન્યથી નીચે એટલે કે ૩૩ થી ૩૪ ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે.#Morbi #MorbiUpdate #WeatherForecast #GujaratWeather #Mavthu #UnseasonalRain #SaurashtraWeather #Kutch #MorbiNews #Tankara #RameshBasiya #WeatherNews