અત્યાર સુધીમાં 130 મિલકતો સામે કાર્યવાહી, આજે 19 વિસ્તારોમાં બાકીદારો સામે ટીમની કાર્યવાહી મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા તમામ નાગરિકોને સત્વરે પોતાનો બાકી મિલકત વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે. વેરો ન ભરનારા આસામીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 130 જેટલી મિલકતો સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે, જેમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ સામેલ છે. આજે નગરપાલિકાની ટીમ દ્વારા 19 જેટલા એવા લોકેશન પસંદ કરવામાં આવ્યા છે જ્યાં મોટા પ્રમાણમાં વેરો બાકી છે. આ સ્થળો પર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો આસામીઓ સ્થળ પર જ વેરો ભરી દે છે તો વસૂલાત સ્વીકારવામાં આવે છે, અન્યથા તેમની મિલકતને સીલ મારવામાં આવી રહી છે.આ ઉપરાંત, રહેણાંક મિલકતો માટે પણ કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. જે રહેણાંક મિલકતોમાં વધુ વેરો બાકી છે, ત્યાં આગામી સમયમાં ડ્રેનેજ (ગટર) અને પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા અગાઉ અમુક મિલકતોમાં આવી કાર્યવાહી કરવામાં પણ આવી છે.નાગરિકોની સુવિધા માટે વેરો ભરવાની પ્રક્રિયા હવે ઓનલાઈન અને એપના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો એપમાં પોતાનો મિલકત નંબર નાખીને પોતાનો કુલ બાકી વેરો જોઈ શકે છે અને ઘરે બેઠા જ ઓનલાઈન વેરો ભરી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને પોતાની મિલકત સીલ ન થાય તે માટે સહકાર આપવા અને સમયસર વેરો ભરવા અનુરોધ કરાયો છે.#MorbiUpdate #MorbiNews #MorbiNagarpalika #PropertyTax #TaxCollection #MorbiCity #