રાજ્યમાં બે વર્ષમાં ૧૦૮ શ્રમિકોનાં મોત, ભોગ બનેલાઓને દવા-સારવાર માટે રૂ.૩ લાખનું વળતર આપવાની ૫૦ અરજીઓ હજુ પેન્ડિંગમોરબી : પથ્થર કટિંગ, સિરામિક જેવા ઉદ્યોગોમાં ઉડતી રજકણોથી શ્રમિકોમાં સિલિકોસિસ નામની ફેફસાંની ગંભીર બીમારી હાહાકાર મચાવી રહી છે. રોગચાળાની સ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં આ રોગને કારણે ૧૦૮ શ્રમિકોનાં મોત નીપજ્યા છે. એકલા મોરબી અને સુરેન્દ્રનગરમાં જ આ રોગનો ભોગ બનેલા અનુક્રમે ૧૦૦ અને ૨૦૦ જેટલા શ્રમિકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.સંદેશના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯ શ્રમિકોના મોત થયા હતા, જ્યારે રોગચાળો કાબૂમાં આવવાને બદલે વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ ૫૯ શ્રમિકો આ રોગમાં મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં સિલિકોસિસ રોગચાળા સંદર્ભે ચાલી રહેલા કેસમાં જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રોગનો ભોગ બનેલાઓને દવા-સારવાર માટે એક ટાઈમના વળતર પેટે રૂ. ૩ લાખ આપવાની એફિડેવિટ ઉપર કબૂલાત કરી હતી. તેમ છતાં, આ વળતર માંગતી ૫૦થી વધુ રોગગ્રસ્ત શ્રમિકોની અરજીઓમાં હજુ સુધી સહાય ચૂકવાઈ નથી.અગાઉ સિલિકોસિસથી થતાં મોત માટે રાજ્ય સરકાર માત્ર રૂ. ૧ લાખની સહાય મૃતકના વારસદારને આપતી હતી. મૃત્યુના કિસ્સામાં રૂ. ૪ લાખનું વળતર આપવાના ૨૦૧૭ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું રાજ્યમાં પાલન થતું ન હતું. જો કે જુલાઈ ૨૦૨૪થી મૃતકના વારસદારને રૂ. ૪ લાખનું વળતર અપાઈ રહ્યું છે, પણ જુલાઈ ૨૦૨૪ પહેલાં થયેલા મૃત્યુના કિસ્સાઓમાં વળતરનો ડિફરન્સ હજુ સુધી ચૂકવાયો નથી.ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા થયેલી આરટીઆઈમાં એવું બહાર આવ્યું છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યમાં સિલિકોસિસના રોગમાં ૩૦૭ જેટલા શ્રમિકોના મોત નિપજ્યાં છે. જે પૈકી ૨૬૫ કિસ્સામાં વળતર ચૂકવાઈ ગયું છે અને હવે ૪૨ મૃતક શ્રમિકો માટે વળતર આપવાનું પેન્ડિંગ છે. હાલમાં સુરેન્દ્રનગરની ખાણો, થાન-મોરબીના સિરામિક એકમો તથા ખંભાતના અકીક ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો મુખ્યત્વે સિલિકોસિસ રોગનો ભોગ બની રહ્યાં છે, ત્યારે પીડિત પરિવારો વળતર-સહાય માટે સરકારી કચેરીઓમાં ભટકી રહ્યાં છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Silicosis #CeramicIndustry #GujaratNews #Laborers #HealthNews #WorkerSafety #MorbiCeramic