આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજુઆતમોરબી: મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ડેમ તેમજ નર્મદાની કેનાલોમાંથી ખેડૂતોને ઉનાળુ પાકના વાવેતર માટે પાણી આપવા અંગે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના મચ્છુ 2 અને ડેમી 2 સહિતના ડેમો પાણીથી ભરેલા છે. આમ છતાં શિયાળુ પાક માટે અમુક ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું ન હતું. જો પાણી અપાયું હોત તો ખેડૂતો શિયાળુ પાક લઈ શક્યા હોત. મચ્છુ 2 ડેમમાં પાણી હતું અને નર્મદાની મોરબી બ્રાંચ કેનાલ દ્વારા તેમાં વધુ પાણી નાખવામાં આવતા શિયાળા દરમિયાન વગર વરસાદે પાણી વધી ગયું હતું, જેને કારણે ડેમમાંથી પાણી છોડવું પડ્યું જે છેવટે દરિયામાં વહી ગયું હતું. તેમ છતાં સ્થાનિક અધિકારીઓ તેમજ સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા પાણી સિંચાઈ માટે ન આપવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં પણ મચ્છુ 2 અને ડેમી 2 ડેમમાં પાણી ભરેલું છે જેનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો અને તે માત્ર વરાળ બનીને ઊડી રહ્યું છે.વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, નર્મદા ડેમમાં પણ પૂરતું પાણી છે. તેની માળિયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ કેનાલમાં આજ દિન સુધી ઉનાળુ પાક માટે પાણી આપવા અંગે કોઈ આયોજન કરાયું નથી. અધિકારીઓને પૂછતા 'અમને ખબર નથી' તેવા જવાબો મળે છે. ચોમાસામાં નર્મદા ડેમનું પાણી પણ દરિયામાં વહી જશે, ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કેમ નથી કરાયું તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.અંતમાં માંગ કરવામાં આવી છે કે પાણી દરિયામાં જાય તેના કરતા ખેડૂતોને આપવામાં આવે જેથી તેઓ ઉનાળુ પાકની ઉપજ લઈ શકે, જેનાથી તેમને આર્થિક ફાયદો થશે. #MorbiUpdate #MorbiNews #Morbi #Surendranagar #FarmersIssue #IrrigationWater #Machhu2Dam #Demi2Dam #NarmadaCanal #GujaratAgriculture #AAPGujarat #KantilalBavarva