ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકો પાસેથી રાંધણ ગેસના બાટલાના કાળાબજાર, રૂ.૧૫૦૦નો બાટલો રૂ.૩૦૦૦માં મળતો હોવાની રાવપુરવઠા વિભાગના દાવાઓ પોકળ સાબિત થયા, ઓનલાઈન નોંધણી થતી નથી અને શ્રમિકો મજબૂરીમાં બમણા ભાવ ચૂકવી રહ્યા છે : યોગ્ય તપાસની જરૂરમોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાક વેપારીઓ અને દુકાનદારો દ્વારા ૫ અને ૧૦ કિલોના રાંધણ ગેસના બાટલા રાખીને કાળાબજાર કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રમિકો વસવાટ કરે છે, જેમની પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ આવા દુકાનદારો પાસેથી ખરીદી કરવા મજબૂર બન્યા છે.પીપળી રોડના એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, અગાઉ જે ગેસનો બાટલો ૧૫૦૦ રૂપિયામાં મળતો હતો, તેના અત્યારે દુકાનદારો અઢીથી ત્રણ હજાર રૂપિયા વસૂલી રહ્યા છે. જો અઢી-ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે તો જ બાટલો આપવામાં આવે છે, નહીંતર બાટલો આપવામાં આવતો નથી. નવો બાટલો ના ખરીદે તો રસોઈ કેવી રીતે બનાવવી તે મુંઝવણના કારણે શ્રમિકો નાછૂટકે આટલા ઊંચા ભાવ આપીને બાટલો ખરીદી રહ્યા છે.બીજી તરફ, પુરવઠા વિભાગ દ્વારા ગઈકાલે એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોટાભાગના ઘરેલુ ગેસનો પુરવઠો લોકોને મળી ગયો છે અને રિફિલિંગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જોકે, બજારની વાસ્તવિક સ્થિતિ સાવ અલગ જ છે. લોકો જ્યારે ગેસના બાટલો મેળવવા માટે જાય છે ત્યારે ઓનલાઈન નોંધણી થતી નથી અને જ્યારે ગ્રાહકો રૂબરૂ જાય છે, ત્યારે પણ તેમને એમ કહીને પરત મોકલવામાં આવે છે કે ઓનલાઈન નોંધણી કરી નાખો એટલે થઈ જશે. આ પરિસ્થિતિ વચ્ચે ગરીબ શ્રમિકો પિસાઈ રહ્યા છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે મામલતદારની ટીમ દ્વારા આ બાબતે સઘન તપાસ કરવામાં આવે અને કાળાબજાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.કાળાબજાર અને સંગ્રહખોરી રોકવા પુરવઠા અધિકારીનો આદેશને બે દિવસ થયા છતાં પરિસ્થિતિ ન સુધરી! જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકાના મામલતદારોને તા.10ના રોજ એક પત્ર પાઠવીને LPG ગેસના કાળાબજાર અને બિનજરૂરી સંગ્રહખોરી રોકવા કડક આદેશ આપવામાં આવ્યા હતા. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, ભારત સરકારની સૂચના મુજબ ગેસનો પુરવઠો સુચારુ રીતે જળવાઈ રહે તે માટે ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ વ્યવસ્થિત થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. આ માટે તાલુકાઓમાં નિયમિત તપાસ હાથ ધરવા અને જો કોઈ પણ જગ્યાએ ગેરરીતિ જણાય તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG Control Order-2000 મુજબ તાત્કાલિક કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જો કે આ આદેશ બે દિવસ પહેલા આપવામાં આવ્યો હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હોવાની રાવ ઉઠી છે. ગેસનો બાટલો ખાલી, નોંધણી થતી નથી : કાલિકા પ્લોટના વિજયભાઈની વ્યથાકાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા વિજયભાઈ પાસે માત્ર એક જ ગેસનો બાટલો છે, જે ખાલી પડ્યો છે. તેમના ઘરે નાના બાળકો છે અને તેઓ જૂના કપડાં વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં ગાંધી ચોકમાં તેમનો ધંધો પણ બરાબર ચાલતો નથી અને રોજનો અંદાજિત ૧૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જ્યારે તેઓ એજન્સીમાં બાટલો નોંધાવવા ગયા, ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે જ્યારે બુકિંગ થશે ત્યારે મળશે. તેમણે ઓનલાઈન નોંધણી અને રિફિલ રજીસ્ટરના નંબરો પરથી પણ પ્રયાસ કર્યો, પરંતુ બુકિંગ થઈ શક્યું નથી.ગેસ એજન્સીએ શટર પાડી દીધું, ત્રણથી ચાર ધક્કા ખાધા : અલીમમદ ચાનિયાકાલિકા પ્લોટમાં રહેતા હલીમમદ હાજીભાઈ ચાનિયાની સ્થિતિ પણ આવી જ છે, જેમની પાસે રહેલો એકમાત્ર ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે. જ્યારે તેઓ એજન્સી પર બુકિંગ કરાવવા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર સ્ટાફે તેમને દીવાલ પર લખેલા નંબરમાં ફોન કરવાનું કહીને શટર પાડી દીધું હતું. તેઓએ દીવાલ પર લખેલા નંબર પર ફોન કર્યો હોવા છતાં, બુકિંગ કન્ફર્મ થયાનો કોઈ જ મેસેજ તેમને મળ્યો નથી. આ સમસ્યાના ઉકેલ માટે તેઓ અત્યાર સુધીમાં ત્રણથી ચાર વખત એજન્સીના ધક્કા ખાઈ ચૂક્યા છે, છતાં કોઈ પરિણામ આવ્યું નથી.એજન્સી કહે છે 'ઉપર રજૂઆત કરો અથવા રાજકોટ જાવ' : આનંદભાઈ સિંધવઆનંદભાઈ સિંધવ છેલ્લા ચાર-પાંચ દિવસથી ગેસ બુકિંગ માટે સતત ઓનલાઇન અને ફોન દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. એજન્સીની બહાર બોર્ડ પર જે નંબરો લખેલા છે તેના પર ફોન લાગતો નથી અને એસએમએસનો કોઈ વળતો જવાબ પણ આવતો નથી. આથી કંટાળીને જ્યારે તેઓ ડાયરી સાથે રૂબરૂ ગેસ એજન્સીમાં ગયા, ત્યારે તેમને એવો ઉડાવઉ જવાબ મળ્યો કે 'ઉપર રજૂઆત કરો અથવા રાજકોટ જાવ'. તેઓ છેલ્લા થોડા દિવસોમાં ત્રણ વખત એજન્સીએ રૂબરૂ ગયા છે, તેમ છતાં એજન્સી તરફથી કોઈ જ સંતોષકારક જવાબ કે ઉકેલ આપવામાં આવ્યો નથી.#Morbi #MorbiUpdate #LPGGas #BlackMarketing #SupplyOfficer #Mamlatdar #GujaratNews #LocalNews