કંડલા બાયપાસ પર આવેલ ડીવાઇન પાર્કના આઠ રહેવાસીઓ વિરુદ્ધ ફરિયાદ મોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ પર આવેલ ડીવાઇન પાર્કમાં રહેતા વૃધ્ધાએ ફ્લેટ ધારકોના ત્રાસથી કંટાળી જઈ એપાર્ટમેન્ટના લિફ્ટરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવા પ્રકરણમાં વૃદ્ધાના પુત્રએ ફ્લેટના આઠ રહેવાસીઓ વિરુદ્ધ તેમના માતાને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ પર આવેલ ડીવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઇ પાચોટીયાના માતાએ સવિતાબેને તા.5 માર્ચના રોજ લિફ્ટરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મૃતક સવિતાબેને સ્યુસાઇડ નોટમાં પાડોશીઓના ત્રાસથી પગલું ભર્યું હોવાનું જણાવતા બનાવ અંગે નરેન્દ્રભાઈએ આરોપી (૧) મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા (૨) વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા (૩) નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા (૪) ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા (૫)કેવલ કારૂભાઇ વિરમગામા(૬)રમણીકભાઇ ઉર્ફે ધામી આદ્રોજા(૭)નાનજી જીવાણી(૮)વિલાસબેન સવસાણી રહે.બધા સત્ય-બી એપાર્ટમેંટ મોરબી વાળા વિરુદ્ધ તેમના માતાને મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કેઝ આરોપીઓ ફરિયાદીના પરીવાર સાથે ઝગડાનો ખાર રાખી તેમના માતા સવિતાબેનને અવાર નવાર ફરિયાદીની હાજરીમા તેમજ ગેર હાજરીમા ધાક ધમકી આપતા હતા તેમજ અગાઉ અનેક વખત પડોશીઓએ મૃતક સવિતાબેન જ્યારે પાર્કિંગમાં બેઠા હોય ત્યારે કાર ઉપર ચડાવી દેવા પ્રયાસ કરી ડરાવ્યાં હતા. સાથે જ એક વર્ષ પૂર્વે અગાસીમાં તમામ રહેવાસીઓ ભેગા મળી તેમના પરિવારને માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવતા પોલીસે તમામ પાડોશીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.