પોલીસ એક્શન મોડમાં : સવારે ગણતરીની કલાકોમાં જ ત્રણ અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યામોરબી: મોરબીમાં બે દિવસ પૂર્વે નવા રેન્જ આઈજીની મુલાકાત બાદ મોરબી પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની મેગા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે સવારે જ બોરીચાવાસ બાદ વજેપરમાં પણ એક હિસ્ટ્રીશીટરનું ગેરકાયદે દબાણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સવારથી જ અસામાજિક તત્વો અને આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર જેસીબીની મદદથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ બોરીચાવાસમાં બે હિસ્ટ્રીશીટરોના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારબાદ વજેપર વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યુ છે. વજેપરમાં કાસમ જુમાભાઈ જીંદાણી દ્વારા આશરે 301 ચોરસ મીટર સરકારી જમીન પર ગાયોનો વાડો અને વખાર જેવું ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું, જેને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.આ ડિમોલિશન કામગીરી અંગે માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ હટાવવા માટે એસડીએમ, મામલતદાર, સિટી સર્વે, પીજીવીસીએલ, મહાનગરપાલિકાની ટીમ અને એ-ડિવિઝન પોલીસના પીઆઈ તથા પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ 645 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે પણ બુટલેગરો કે અસામાજિક તત્વો સરકારી મિલકત કે જમીન પર દબાણ કરશે તેમની સામે રેવન્યુ અને પોલીસ ટીમ દ્વારા સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratPolice #BulldozerAction #DemolitionDrive #IllegalConstruction #ActionAgainstCriminals #MorbiCity