ગેસ અને તેલના ભાવ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો : 'દારૂ સસ્તો અને તેલ મોંઘુ' હોવાના આક્ષેપ મોરબી : વધતી જતી મોંઘવારી અને ખોરવાયેલા ઘરના બજેટના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે ૧૧ માર્ચે સવારે શાક માર્કેટ, નગર દરવાજા પાસે, મોરબી ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા જણાવાયુ હતું કે રસોડાથી લઈને રોજિંદી જરૂરિયાતોની દરેક વસ્તુ મોંઘી બનતાં સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં છે. ખાસ કરીને ઘર ચલાવતી માતાઓ અને બહેનોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અન્યાયી મોંઘવારી સામે જનતાનો અવાજ ઉઠાવવા મહિલા કોંગ્રેસ દ્વારા આજે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રદર્શનમાં ઉપસ્થિત મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપની સરકારમાં અસહ્ય મોંઘવારી વધી છે. રાજ્યમાં દારૂ સસ્તો છે જ્યારે ખાવાનું તેલ મોંઘુ છે. ગેસના બાટલાનો ભાવ ૯૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના શાસન સાથે સરખામણી કરતા તેમણે સ્મૃતિ ઈરાની પર નિશાન સાધતા કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસની સરકારમાં ગેસનો ભાવ ૩૫૦ રૂપિયા હતો ત્યારે સ્મૃતિ ઈરાની રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા, તો આજે ભાવ ૯૦૦ રૂપિયા થઈ ગયો છે.મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા વધુમાં ઉમેર્યું હતું કે, આજના સમયમાં ઘરમાંથી બધા જ સભ્યો કમાતા હોય અને ૫૦,૦૦૦ રૂપિયાની આવક હોય તો પણ પરિવારોને અત્યંત કરકસર કરીને જીવવું પડે છે. જ્યારે અગાઉની સરકારમાં ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાની આવકમાં પણ લોકો સારી રીતે જીવન પસાર કરી શકતા હતા અને આટલી મોંઘવારી ન હતી. મહિલા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે તાત્કાલિક ધોરણે મોંઘવારી ઘટાડવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #MorbiCongress #MehngaiVirodh #MahilaCongress #Morbi #GujaratPolitics #InflationProtest