મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ગત તા. ૦૩/૦૩/૨૦૨૬ થી ૦૯/૦૩/૨૦૨૬ સુધીના સપ્તાહમાં ફાયર સેફ્ટી અંગે સઘન કામગીરી કરવામાં આવી હતી. જાગૃતિ અભિયાનના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા ૩ સરકારી કચેરીઓના ૧૦૫ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી સૂચનો કરાયા હતા.ફાયર વિભાગની અગાઉની કડક કાર્યવાહી અને નોટિસના પગલે શહેરમાં ૧૯૦ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન ફાયર સેફટી અપ્રુવલ માટેની ૦૨ અરજીઓ પણ આવી હતી જેને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરી દુર્ઘટના અને જાનહાનિ નિવારવાનો છે.મોરબી શહેર તથા જિલ્લામાં આ સપ્તાહમાં ૦૩ રેસ્ક્યુ કોલ અને ૦૨ આગ લાગવાના બનાવ બન્યા હતા, જેમાં ફાયર જવાનોએ ફુલ PPE અને આધુનિક સાધનો સાથે કામગીરી પાર પાડી હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકી દ્વારા જણાવાયું છે કે, હાલમાં મહાનગરપાલિકા પાસે મિનિ ફાયર ટેન્ડર, વોટર બાઉઝર, ટર્ન ટેબલ લેડર, ફાયર બુલેટ અને ફાઈબર બોટ સહિત કુલ ૧૦ જેટલા વાહનો કાર્યરત છે.મોરબીની ફાયર સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માટે અંદાજિત રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે ૦૭ નવા ફાયર વાહનોની ખરીદી માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ નવા વાહનોમાં મિનિ ફાયર ટેન્ડર, ૨૦ અને ૮ કેએલના વોટર બાઉઝર, રેપિડ રેસ્ક્યુ વ્હીકલ, ક્વીક રિસ્પોન્સ વ્હીકલ, હાઇ કેપેસિટી પંપ અને શબવાહિનીનો સમાવેશ થાય છે. આ વાહનો ઉપલબ્ધ થવાથી ઇમરજન્સી સમયે રિસ્પોન્સ ટાઈમ (Response Time) ઘટાડી શકાશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.કોઈપણ દુર્ઘટના સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો સંપર્ક નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiFireDepartment #FireSafety #MorbiMunicipalCorporation #GujaratNews #MorbiNews