કરોડોના કામોને મંજૂરી, ૧૧ સભ્યો ગેરહાજર, કોઈ સભ્યે પણ પ્રશ્ન ન ઉઠાવ્યો મોરબી: મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી. તારીખ ૧૦/૦૩/૨૦૨૬ ના રોજ મળેલી આ ખાસ સામાન્ય સભા વર્તમાન બોડીની છેલ્લી સભા હતી કારણ કે આગામી અઠવાડિયે આ બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે આ સભા માત્ર બે જ મિનિટમાં પૂર્ણ કરી નાખવામાં આવી હતી.આજની આ ખાસ સામાન્ય સભામાં સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી. જિલ્લા પંચાયતના કુલ ૨૪ સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત માત્ર ૧૩ સભ્યો જ હાજર રહ્યા હતા. જ્યારે વિપક્ષના ૧૦ સભ્યોમાંથી માત્ર ૨ સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા, આમ કુલ ૧૧ સભ્યો આ છેલ્લી સભામાં ગેરહાજર રહ્યા હતા. બે મિનિટમાં સભા પૂરી થયા બાદ સભ્યોએ નાસ્તો પાણી કરી 'ખાધું પીધું ને રાજ કર્યા' જેવો ઘાટ સર્જાયો હતો.આ બેઠકમાં સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના કામોની બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી હેતુફેરના કામો રૂપિયા ૨૨,૦૦,૦૦૦/- (બાવીસ લાખ), સૈદ્ધાંતિક મંજૂરી રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/- (એક કરોડ) અને વહીવટી મંજૂરી રૂપિયા ૧,૯૨,૦૦,૦૦૦/- (એક કરોડ બાણું લાખ)ને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયત કચેરી હસ્તકના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ના ઉપયોગમાં લેવાતા જૂના બોલેરો વાહન (નંબર જી.જે-૦૩-જી.એ-૦૩૩૩) જેનું ૧૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલ હોય, તેને રદબાતલ કરી તેના સ્થાને નવું વાહન ખરીદવાની પણ આ સભામાં મંજૂરી આપવામાં આવી હતી. આમ, વર્તમાન બોડીની આ છેલ્લી સભામાં માત્ર ગણતરીની મિનિટોમાં જ કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી. બીજી તરફ એક પણ સભ્યે એક પણ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. #Morbi #MorbiUpdate #MorbiJillaPanchayat #GeneralBoardMeeting #MorbiNews #GujaratNews