અનેક રજૂઆતો છતાં પ્રશ્ન ન ઉકેલાતા માળિયા તાલુકાના વર્ષામેડી અને નવી નવલખી ગામના લોકો રોડ ઉપર ઉતર્યા હતામોરબી: માળિયા તાલુકાના વર્ષામેડી અને નવી નવલખી ગામના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા, આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ નવલખી હાઈવે પર વર્ષામેડી ફાટક પાસે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા બાંહેધરી અપાતા મામલો થાળે પડ્યો છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવ્યો હોવાના આક્ષેપોવિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામો હોવાને કારણે અહીં પાણી સમયસર મળતું નથી. નવી નવલખી ગામના મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ગામમાં અંદાજે 250 થી 300 ઘરો આવેલા છે, પરંતુ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. મહિલાઓને 5 કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડે છે.મજૂર વર્ગની કરતા લોકોની હાલત કફોડીસ્થાનિક રહેવાસી અસગરભાઈએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 3 થી 5 વર્ષથી પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો છે. મોટાભાગના રહીશો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની દૈનિક આવક માત્ર 300 રૂપિયા છે. આવી સ્થિતિમાં 800 રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા તેમના માટે અશક્ય બની ગયા છે.પાણી પુરવઠા વિભાગની બાહેંધરી મળતા મામલો થાળે પડ્યો હાઈવે પર ચક્કાજામને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી. ગ્રામજનોએ મક્કમતાથી જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને કાયમી ઉકેલની ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા બાહેંધરી મળતા ચક્કાજામ હટી ગયો છે.