પ્રોપેન વાપરતા ઉદ્યોગોએ તા.10 અને ગુજરાત ગેસ વાપરતા ઉદ્યોગોએ તા.15થી શટ ડાઉન પાડવા એસોસિએશનની કમિટીએ અભિપ્રાય માંગ્યો : હવે આગામી બેઠકમાં લેવાશે નિર્ણયમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની કટોકટીની પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. જેમાં પ્રોપેન વાપરતા ઉદ્યોગો તા.10 માર્ચથી અને ગુજરાત ગેસ વાપરતા ઉદ્યોગો તા.15 માર્ચથી એક મહિનાનું શટ ડાઉન કરશે તેવો નિર્ણય લેવા માટે તમામ સભ્યો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે.ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગેસની ભારે અછત સર્જાઈ છે. પરિણામે ઉદ્યોગોને મળતો પ્રોપેન ગેસ બંધ થઈ ગયો છે. જ્યારે ગુજરાત ગેસ પણ 50 ટકા કાપ સાથે આપવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અંદાજે 100થી વધુ ફેક્ટરીઓએ તો ગઈકાલથી જ શટ ડાઉન લાગુ કરી દીધું હતું. તેવામાં હજુ બીજા અનેક ઉદ્યોગો પણ શટ ડાઉન થવાની તૈયારીમાં છે. આ મુદ્દે સિરામિક એકમોની જનરલ મિટિંગ યોજાઈ હતી, જેમાં કમિટીએ એક મહિના સુધી પ્રોડક્શન સદંતર બંધ રાખવાની વિચારણા હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર પ્રોપેન ગેસનો વપરાશ કરતા યુનિટોની અને ગુજરાત ગેસનો વપરાશ કરતા યુનિટોની અલગ અલગ જનરલ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં વર્તમાન વિકટ પરિસ્થિતિ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે, 97 ટકા જેટલા યુનિટોએ પ્રોડક્શન બંધ રાખવાની તરફેણમાં બહુમતી આપી હતી.આ સર્વસંમતિના આધારે, પ્રોપેન ગેસ વાપરતા યુનિટો અને ગુજરાત ગેસ વાપરતા યુનિટો માટે અલગ-અલગ તબક્કે એક મહિના માટે ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે અભિપ્રાય માંગવામાં આવ્યો છે.પ્રોપેન વપરાશ કરતા યુનિટો 10/03/2026 થી 10/04/2026 સુધી પ્રોડક્શન બંધ રાખશે. ગુજરાત ગેસ વપરાશ કરતા યુનિટો 15/03/2026 થી 15/04/2026 સુધી પ્રોડક્શન બંધ રાખશે. તેવી વાત કમિટીએ ઉદ્યોગકારો સમક્ષ મૂકી છે. હવે સભ્યો આ મામલે પોતાનો અભિપ્રાય લેખિતમાં આપશે. ત્યારબાદ આગામી જનરલ મિટિંગમાં આ અંગે નિર્ણય લેવાશે. #MorbiUpdate #MorbiNews #CeramicIndustry #MorbiCeramic #GujaratGas #PropaneGas #ProductionShutdown #Morbi