મોરબી : મોરબીની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર શહેરનું નામ રોશન કર્યું છે. મૂળ નાના દહીંસરા ગામની અને મોરબીની જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીની વિશ્વા ભાડજાએ ચેન્નાઈ ખાતે યોજાયેલ નેશનલ લેવલની સ્પર્ધામાં અદભુત પ્રદર્શન કરી ચેમ્પિયન રેન્ક હાંસલ કર્યો છે.ચેન્નાઈ ખાતે ઇન્ડિયન પ્રોડિજી એકેડમી દ્વારા 17મી નેશનલ લેવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગત 4 જાન્યુઆરી 2026ના રોજ લેવાયેલી પરીક્ષામાં જેએનવી (પીએમ શ્રી સ્કૂલ) મોરબીની વિદ્યાર્થીની વિશ્વા ભાડજાએ ભાગ લીધો હતો. આ કઠિન સ્પર્ધામાં વિશ્વાએ પોતાની ગણિતીય ક્ષમતા અને એકાગ્રતાનો પરિચય આપતા માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં ગણિતના 50 ઉદાહરણો ઉકેલી નાખ્યા હતા.વિશ્વાની આ અસાધારણ ઝડપ અને ચોકસાઈને પરિણામે તેને રાષ્ટ્રીય સ્તરે 'ચેમ્પિયન રેન્ક' એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વાની આ શાનદાર સિદ્ધિ બદલ જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકો, સ્ટાફગણ તેમજ તેના પરિવાર, નાના દહીસરા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળા પરિવાર અને આગેવાનો દ્વારા વિશ્વાને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. વિશ્વાની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.#Morbi #Education #NationalAchievement #JNV #MathsChampion #MorbiUpdate #ProudMoment #GujaratNews