મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરની ગ્રીન વેલી સ્કૂલની વિદ્યાર્થિની પલ મેંદપરાને એક કલાક માટે પ્રતીકાત્મક રીતે મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મહિલા દિવસ નિમિત્તે ૧ થી ૮ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગતરોજ વિવિધ શાળાઓની અંદાજે ૧૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને મહાનગરપાલિકા કચેરીની મુલાકાત કરાવી કોર્પોરેશનની કામગીરીથી અવગત કરાવવામાં આવી હતી. આ પૈકી પસંદ કરાયેલી ૮ વિદ્યાર્થીનીઓને 'અ ડે વિથ કમિશનર' કાર્યક્રમ અંતર્ગત સવારથી જ કમિશનર સાથે રાખવામાં આવી હતી.આ વિદ્યાર્થિનીઓએ સ્વચ્છતા અભિયાન, બજેટ સંદર્ભે વિવિધ વિભાગોની બેઠક અને પ્રોજેક્ટ પ્લાનિંગ જેવી પ્રક્રિયાઓમાં પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. જેમાંથી પલ મેંદપરાને એક કલાક માટે કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.એક કલાક માટે કમિશનર બનેલી પલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, વિવિધ વિભાગ, સ્વચ્છતા, બજેટ જેવા વિવિધ મુદ્દાઓ ઘણું જાણવા અને શીખવા મળ્યું તેમજ કમિશનર તરીકે તેણે ઓન ધ સ્પોટ એક ફરિયાદનો નિકાલ કર્યો હતો. વોટર ડ્રેનેજ વિભાગમાં વર્ષોથી અટવાયેલી એક અરજદારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવી તેણે વહીવટી પ્રક્રિયાની તાકાતનો અનુભવ કર્યો હતો. પલે વધુમાં ઉમેર્યું કે, કમિશનર અને અન્ય અધિકારીઓ શહેરના વિકાસ માટે સતત મહેનત કરતા હોય છે અને નાગરિક તરીકે આપણે પણ તેમાં સહકાર આપવો જોઈએ.#MorbiUpdate #Morbi #InternationalWomensDay #NariShakti #MunicipalCommissioner #SwapnilKhare #GreenValleySchool #WomenEmpowerment #MorbiNews #GujaratNews