ગેસના બાટલાનો નવો ભાવ રૂ.919 : કોમર્શિયલ બાટલાના ભાવમાં પણ 115થી 120 રૂપિયાનો વધારો મોરબી : ઈરાન - ઈઝરાઈલ યુદ્ધને પગલે વિશ્વભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હજારો કિલોમીટર દૂર ચાલતા યુદ્ધની માઠી અસરરૂપે રાંધણગેસના બાટલાના ભાવમાં બૉમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.યુદ્ધની સ્થિતિમાં ગલ્ફ કન્ટ્રીમાંથી ગેસનો પુરવઠો આવતો અટકી જતા આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ કંપનીએ રાંધણગેસના ઘરેલું બાટલાના ભાવમાં શુક્રવારે મધ્યરાત્રીથી રૂ.60 તેમજ કોમર્શિયલ બાટલામાં રૂ.120નો વધારો કરવામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે ઉદ્યોગમાં વપરાતા એલપીજી, પ્રોપેન અને એલએનજી પર રોક લગાવી ઘેરેલું ક્ષેત્રે ગેસનું ઉત્પાદન વધારવા આદેશો કર્યા છે.બીજી તરફ યુદ્ધની અસરતળે સરકારી ઓઇલ કંપની આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ કંપનીએ શુક્રવારે મધ્યરાત્રીથી ઘરેલું ગેસના બાટલાની કિંમતમાં રૂ.60 તેમજ કોમર્શિયલ ગેસના બાટલામાં રૂપિયા 120નો ભાવવધારો અમલી બનાવતા યુદ્ધની અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે. મોરબીમાં ભાવ વધારા બાદ રાંધણ ગેસનો બાટલો રૂ.919નો થયો છે.મહત્વનું છે કે, કોમર્શિયલ ગેસના ભાવમાં ફેબ્રુઆરી માસમાં રુપપિયા 50ના ભાવ વધારા કરાયા બાદ હવે વધુ રૂ.115થી રૂ.120 જેટલો વધારો અમલી બનાવાયો છે.બીજી તરફ ઈરાન-ઈઝરાઈલ યુદ્ધની સ્થિતિમાં ગેસની અછત સર્જાવાની આશંકાએ મોરબીમાં પાઈપલાઈન ગેસ વાપરતા ગ્રાહકો પણ બાટલા નોંધાવી રહ્યા છે અને શહેરમાં આવેલ કુલ 4 એજન્સીઓમાં 1000થી 1500 બાટલાનો બેકલોગ સર્જાયો છે. સામે પક્ષે દરેક ડિલરને એક -એક ગાડી જ મળી રહી છે. બીજીતરફ ઉદ્યોગોને ગેસ આપવાનું બંધ કરવાની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા 19 કિલોના બાટલાની સપ્લાય પણ ઘટાડી દેવામાં આવી છે જેથી દૈનિક પાંચ બોટલનો વપરાશ કરતા ગ્રાહકોને માંડ 2 બોટલ આપવામાં આવી રહી હોય હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.