ચાલુ કલાસે સરકારી શિક્ષક દારૂ પીતો હોય તેવો વીડિયો પણ ઉતારી લેવાયો, સરપંચ પતિ ફરિયાદી બન્યામોરબી : પ્રચલિત કહેવત શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો...ને મોરબીના આંદરણા ગામના શિક્ષકે ખોટી ઠેરવી સરકારી પ્રાથમિક શાળામાં ચાલુ કલાસે બાળકોને ભણાવતા ભણાવતા દારૂના પેગ ભરી નશામાં ચકચૂર બની જતા બાળકોએ વાલીઓને કરેલી જાણ બાદ નિવૃત આર્મીમેન અને મહિલા સરપંચના પતિએ પોલીસ બોલાવતા નશાખોર શિક્ષક નાસી ગયો હતો. ઘટના અંગે સરપંચના પતિએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અન્ય એક કિસ્સામાં મોરબી બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝ પાસેથી એક શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.સમાજ માટે લાલબત્તીરૂપ કિસ્સાની વિગત જોઈએ તો મોરબી તાલુકાની આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળા નંબર એ-01માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઇ ખીમજીભાઈ પરમાર રહે.ચરાડવા વાળા ગઈકાલે ચાલુ શાળાએ બાળકોને ભણાવતા ભણાવતા બાળકોની સામે જ દારૂના પેગ ભરીને ભણ ભૂલ્યા હોવાથી બાળકોએ વાલીઓને જાણ કરતા નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ કાંતિભાઈ સંઘાણીએ મહિલા સરપંચના પતિ નિતેશભાઈ મનજીભાઈ ચાવડાને જાણ કરતા બન્ને અગ્રણીઓ શાળાએ પહોંચ્યા હતા.જ્યાં શિક્ષક હોશ ગુમાવી નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. જેથી ઘટનાનો વીડિયો ઉતારી પોલીસને જાણ કરી હતી.જો કે, પોલીસ આવે તે પહેલાં જ નશાખોર શિક્ષક નાસી ગયો હતો.બનાવ સ્થળેથી પોલીસે પ્લાસ્ટિકની થેલીમાં રહેલી વિદેશી દારૂની 500 મીલી ભરેલી બોટલ સહિતની સામગ્રી કબ્જે કરી સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કર્યો હતો.અન્ય એક બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાસેથી આરોપી જય રામભાઈ મકવાણા ઉ.30 નામના શખ્સને વિદેશી દારૂ વાઇટ લેસ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 363 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.