4 લાખ લોકો સિરામિક એકમોમાં અને અન્ય 6 લાખ લોકો તેને આનુસંગીક ઉદ્યોગો ઉપર નભે છે, ફેકટરી શટ ડાઉન થયા બાદ ઉદ્યોગો 15 દિવસથી મહિનો સુધી વ્યવસ્થા સાચવી શકે, ત્યારબાદ તેઓને છુટા કરવા જ પડે : ઉદ્યોગો માટે હવે રશિયાથી ગેસની વ્યવસ્થા કરવાની માંગ : કે.જી.કુંડારીયા મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ગેસની અછત અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે ઐતિહાસિક સંકટનો સામનો કરી રહ્યો છે. જાણીતા સિરામિક ઉદ્યોગપતિ કે.જી. કુંડારિયાએ આ ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે, અમુક ઉદ્યોગ પાસે હવે માત્ર થોડા દિવસ ચાલે તેટલો જ ગેસનો જથ્થો બચ્યો છે. જો સરકાર દ્વારા તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો અનેક ફેક્ટરીઓ બંધ કરવી પડશે અને લાખો લોકોની રોજગારી છીનવાઈ જશે.કે.જી. કુંડારિયાએ જણાવ્યું કે, તેમના ત્રણ સિરામિક યુનિટ છે અને ગુજરાત ગેસ દ્વારા માત્ર 15 દિવસનો ગેસ ફાળવવામાં આવ્યો છે. 16 માર્ચ પછી તેમને તેમની ફેક્ટરીઓ ફરજિયાત બંધ કરવી પડશે. મોરબીનો આખો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ઇમ્પોર્ટેડ ગેસ (ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસ) પર નિર્ભર છે. પ્રોપેન ગેસ હાલમાં બજારમાં ઉપલબ્ધ જ નથી, જેને પગલે પ્રોપેન ગેસ આધારિત અનેક ફેક્ટરીઓ પહેલેથી જ બંધ થઈ ચૂકી છે. જ્યારે ગુજરાત ગેસ આધારિત અન્ય 20% ફેક્ટરીઓ આગામી 15 દિવસમાં બંધ થવાના આરે છે.આ સંકટની સૌથી મોટી અને સીધી અસર રોજગારી પર પડી રહી છે. તેઓના જણાવ્યા અનુસાર પોતાની ત્રણ ફેક્ટરીઓમાં કામ કરતા 900 જેટલા મજૂરોને 15 દિવસ પછી છૂટા કરવાની નોબત આવશે, કારણ કે યુદ્ધ ક્યારે પૂરું થશે તેની કોઈ ખાતરી નથી. સમગ્ર મોરબી સિરામિક ઉદ્યોગમાં અંદાજે 4 લાખ લોકો સીધી રીતે અને અન્ય આનુષંગિક ઉદ્યોગો (પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ વગેરે) માં 6 લાખ લોકો કામ કરે છે. આમ, મોરબીમાં કુલ 10 લાખ શ્રમિકો અને કર્મચારીઓની રોજગારી પર સૌથી મોટો ખતરો ઊભો થયો છે. ઉદ્યોગકારો શટ ડાઉન બાદ અંદાજે 15 દિવસથી એક મહિનો કર્મચારીઓની વ્યવસ્થા સાચવી શકે. ત્યારબાદ નાછૂટકે તેઓને છુટા કરવા સિવાય કોઈ વિકલ્પ ન બચે.એક્સપોર્ટ પર ફટકો: કન્ટેનર દીઠ $2000 નું ભાડું વધ્યુંકે.જી. કુંડારીયાના જણાવ્યા અનુસાર યુદ્ધના કારણે એક્સપોર્ટ (નિકાસ) પર પણ માઠી અસર પહોંચી છે. શિપિંગ વેસલ ઓપરેટરોએ 'વોર રિસ્ક' (યુદ્ધના જોખમ) નું કારણ આપીને રાતોરાત કન્ટેનર દીઠ 2000 ડોલરનું ભાડું વધારી દીધું છે. તેઓએ જણાવ્યું કે પોર્ટ પર પડેલા મારા 80 જેટલા કન્ટેનરો અને ટ્રાન્ઝિટમાં રહેલા માલ પર પણ આ તોતિંગ વધારો લાગુ કરી દેવાયો છે. આ ઉપરાંત, વિદેશથી આવતો ક્રૂડ અને ગેસ પણ ભવિષ્યમાં વધુ મોંઘો થવાની પૂરી શક્યતા છે.ગેસના ભાવમાં ભડકો, ઉત્પાદન ખર્ચ વધ્યોગુજરાત ગેસે હાલ ભાવ વધાર્યા નથી, પરંતુ પ્રોપેન ગેસના ભાવ 54 રૂપિયાથી વધીને 60 રૂપિયા થઈ ગયા છે. નવી સપ્લાય આવશે તો તે 70 થી 75 રૂપિયા સુધી પહોંચી શકે છે તેવો અંદાજ છે. બીજી તરફ, કડી, મહેસાણા અને અમદાવાદ પંથકમાં અદાણી ગેસના ભાવ 120 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આટલા ઊંચા ભાવે ઉદ્યોગ ચલાવવો હવે પોસાય તેમ નથી.રશિયાથી ગેસની વ્યવસ્થા કરવાની માંગકે.જી. કુંડારિયાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને અપીલ કરતા મહત્વના સૂચન કર્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી વિદેશ નીતિ અને ડિપ્લોમસીમાં માહેર છે. ભારત સરકારે અન્ય દેશોના દબાણને અવગણીને રશિયા પાસેથી સસ્તા દરે ગેસ અને ક્રૂડ મંગાવવો જોઈએ. અહેવાલો મુજબ રશિયા ભારતને સપ્લાય કરવા તૈયાર પણ છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CeramicIndustry #GasCrisis #MorbiCeramic #CoalGasifier #AtmanirbharBharat #GujaratNews #BusinessNews