મોરબી: અમરેલીની શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક મહિલાનું મૃત્યુ નિપજતા તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ બનાવના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેવીપૂજક સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ત્યારે મોરબી દેવીપૂજક સમાજ દ્વારા પણ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. શું છે સમગ્ર ઘટના?પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 19/02/2026 ના રોજ અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે ભનીબેન હરેશભાઈ મંદુરિયાનું કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન એક નસમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં યોગ્ય તકેદારી રાખવામાં આવી નહોતી. પરિવારજનોની લેખિત સંમતિ કે જાણ કર્યા વિના જ અન્ય સર્જરી કરવામાં આવી હોવાનો અને સારવારમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કથિત બેદરકારીને કારણે દર્દીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.ન્યાય માટે આંદોલન અને આવેદનઆ બનાવને પગલે 21 ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અનેક દિવસો વીતવા છતાં જવાબદાર તબીબો કે સ્ટાફ સામે હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા દેવીપૂજક સમાજ અને અનુસૂચિત જાતિના લોકો 20 ફેબ્રુઆરીથી શાંતિપૂર્ણ ઉપવાસ પર ઉતર્યા છે. મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર મોકલાયો છે, પરંતુ જ્યાં સુધી ન્યાયિક તપાસના આદેશ ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.મુખ્ય માંગણીઓ: • જવાબદાર ડોક્ટરો અને સ્ટાફ વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ કરવી. • ઘટનાની ઉચ્ચસ્તરીય અને સમયબદ્ધ ન્યાયિક તપાસ કરાવવી. • તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવા. • પીડિત પરિવારને યોગ્ય વળતર આપવું. • સરકારી હોસ્પિટલોમાં થતી ગેરકાયદેસર વસૂલાત પર રોક લગાવવી.જો આગામી સમયમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં લોકશાહી ઢબે વ્યાપક આંદોલન કરવાની ચીમકી પણ આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે.#MorbiUpdate #Amreli #MedicalNegligence #DevipujakSamaj #Protest #Justice #GujaratNews #HealthDepartment