પ્રોપેન ગેસની સપ્લાય ગઈકાલથી સદંતર બંધ થતાં ગેસનું સંકટ ઘેરૂ બન્યું : શટ ડાઉન થનારી ફેક્ટરીઓની સંખ્યા હવે ક્રમશઃ વધતી જશેમોરબી: આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની સીધી અને ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. પ્રોપેન ગેસની સપ્લાય સંપૂર્ણપણે બંધ થવાને કારણે અને આવતીકાલથી ગુજરાત ગેસના સપ્લાયમાં 50 ટકાનો કાપ મુકાવાના કારણે મોરબીના અનેક સિરામિક એકમો શટ ડાઉન થઈ ગયા છે. હજુ પણ આ આંકડો ધીમે ધીમે વધતો જશે તેવું જાણવા મળી રહ્યું છે.વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સના ઉત્પાદન માટે ગેસ સૌથી અગત્યનું પરિબળ છે. પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર નિયંત્રણ રાખીને વેસલને અટકાવી દીધા છે. પરિણામે ગેસની અછત સર્જાય છે.મોરબીના સ્થાનિક ઉદ્યોગોને મળતો પ્રોપેન ગેસ ગઈકાલથી જ અટકી ગયો છે, જેના કારણે ફેક્ટરીઓના પૈડાં થંભી ગયા છે. આજે અંદાજે અનેક ફેકટરીઓએ શટ ડાઉન લાગુ કરી દીધું છે. આ શટ ડાઉનનો સિલસિલો આગામી દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા છે. જો કે ગઈકાલથી જ મોટાભાગના સિરામિક એકમોએ નવા ઓર્ડરો લેવાના બંધ કરી દીધા હતા. તેવામાં ગેસ પૂર્ણ થતાં ઉદ્યોગો ક્રમશઃ પ્રોડક્શન બંધ કરી રહ્યા છે. જો ગેસની સપ્લાય શરૂ કરવામાં નહિ આવે તો એકાદ દિવસમાં જ આખો સિરામિક ઉદ્યોગ જ ઠપ્પ થઈ જશે. ગુજરાત ગેસમાં આવતીકાલથી 50 ટકાનો કાપમોરબીના 65થી 70 ટકા સિરામિક ઉદ્યોગો પ્રોપેન ગેસનો વપરાશ કરે છે. બાકીના ઓછા ઉદ્યોગો નેચરલ ગેસ (ગુજરાત ગેસ)નો વપરાશ કરે છે. ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ અનુસાર 'ફોર્સ મેજર' (Force Majeure) જાહેર કરી હતી. સત્તાવાર નોટિસ અનુસાર, 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી ગેસ સપ્લાય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. નિયમિત એકમોના કિસ્સામાં, ફેબ્રુઆરી 2026 ના મહિનાના સરેરાશ દૈનિક વપરાશના આધારે 50% મુજબ નવો DCQ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ ફાળવવામાં આવેલી કુલ ક્વોન્ટિટી કરતા વધુ વપરાશ કરશે, તો GGL દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો સ્થગિત કરી દેવામાં આવશેશટ ડાઉન થનાર એકમોની સંખ્યામાં થશે મોટો વધારોહાલમાં જ અનેક એકમોએ ઉત્પાદન બંધ કરી દીધું છે, પરંતુ જો ગેસની અછતનો આ પ્રશ્ન જલ્દી હલ નહીં થાય તો આજથી જ શટ ડાઉન થનાર ફેક્ટરીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. આનાથી માત્ર દૈનિક ઉત્પાદન અને નિકાસ જ નહીં, પરંતુ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકોની રોજગારી પર પણ મોટું સંકટ ઊભું થશે.સિરામિક એસોસિએશને બોલાવી તાકીદની બેઠકસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઓચિંતી આવી પડેલી આ ગેસની આફ્તને પરિણામે સિરામિક ઉદ્યોગ અચોક્કસ મુદત સુધી બંધ પડી જવાની અણીએ પહોંચ્યો છે. જેને લઈને સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોની તાકીદની બેઠક બોલાવામાં આવી છે. જેમાં હવે શું નિર્ણય લેવો તે મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiCeramic #MorbiNews #GujaratGas #PropaneGas #GasCrisis #IranIsraelWar #CeramicIndustry #Morbi