યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને જાગૃત અને સશક્ત બનવા અપાયું માર્ગદર્શનમોરબી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે યુવતીઓમાં જાગૃતિ અને સચેતનતા વધે તેવા ઉમદા હેતુથી યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે એક અર્થપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે “The Kerala Story 2” નું વિશેષ પ્રદર્શન યોજાયું હતું.આ જાગૃતિમૂલક કાર્યક્રમમાં પી.જી. પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં આવા કાર્યક્રમોને યુવતીઓ માટે સમયોચિત અને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. સમાજમાં દીકરીઓ અને યુવતીઓ સુરક્ષિત, સજાગ અને સશક્ત બને તે આજના સમયની તાતી જરૂરિયાત છે, તેવા વિચારને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો.આ ફિલ્મ બતાવવાનો મુખ્ય હેતુ યુવતીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ આપવાનો, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સચેત રહેવાની પ્રેરણા આપવાનો અને પોતાની સુરક્ષા અંગે વધુ જાગૃત બનાવવાનો હતો. આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ આજના સમયમાં સમાજ સામે ઊભા થતા કેટલાક સંવેદનશીલ પ્રશ્નો અને તેની પાછળની વાસ્તવિકતાઓ વિશે વિચારવા પણ પ્રેરણા આપે છે.આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, દીકરીઓને માત્ર રક્ષણ આપવું પૂરતું નથી, પરંતુ તેમને જાગૃત, આત્મવિશ્વાસી અને સશક્ત બનાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જાગૃતિ એ જ સુરક્ષાનું સૌથી શક્તિશાળી સાધન છે. જ્યારે યુવતીઓ સચેત અને સજાગ બને છે ત્યારે સમગ્ર સમાજ વધુ સુરક્ષિત અને સંસ્કારી બને છે. આવા કાર્યક્રમો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે, સાચું અને ખોટું ઓળખવાની સમજ વિકસે અને તેઓ પોતાના જીવનના નિર્ણયો વધુ સમજદારીપૂર્વક લઈ શકે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલા દિવસ માત્ર ઉજવણી પૂરતો ન રહી સમાજમાં સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો દિવસ બને તે ભાવના સાથે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.