મોરબી: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધની સૌથી મોટી અને સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે. યુદ્ધના કારણે પ્રોપેન ગેસની સપ્લાય સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે, જેના પગલે અનેક સિરામિક ઉદ્યોગકારોએ માર્કેટમાંથી નવા ઓર્ડર લેવાનું સદંતર બંધ કરી દીધું છે. ગેસ વગર પ્રોડક્શન કઈ રીતે કરવું તે પ્રશ્ન ઉભો થતા વિશ્વના આ બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટરમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના અંદાજે 65 થી 70 ટકા જેટલા સિરામિક એકમો ઇંધણ તરીકે પ્રોપેન ગેસનો વપરાશ કરે છે. પરંતુ હાલમાં વિદેશથી આવતા આ ગેસની સપ્લાય ચેન યુદ્ધના કારણે અચાનક અટકી પડી છે. મોટાભાગના સિરામિક ઉદ્યોગો પાસે હવે માત્ર એકથી બે દિવસ ચાલે તેટલો જ રિઝર્વ ગેસ બચ્યો છે. ભવિષ્યમાં ગેસ ક્યારે આવશે તેની કોઈ ખાતરી ન હોવાથી ફેક્ટરી માલિકોએ સાવચેતીના પગલારૂપે નવા ઓર્ડર સ્વીકારવા પર બ્રેક લગાવી દીધી છે.ગેસનો જથ્થો ખલાસ થતાં જ ઉદ્યોગો શટ ડાઉન થશેહાલમાં ફેક્ટરીઓ પાસે રહેલો જૂનો જથ્થો નામમાત્રનો છે. આગામી એક-બે દિવસમાં જ આ જથ્થો ખલાસ થઈ જશે. જો તાત્કાલિક ધોરણે પ્રોપેન ગેસની સપ્લાય શરૂ નહીં થાય, તો મોરબીના અનેક સિરામિક એકમોમાં પ્રોડક્શન ફરજિયાતપણે સંપૂર્ણ બંધ કરવું પડશે.આગામી દિવસોમાં ટાઇલ્સના ભાવમાં ભડકો થવાના એંધાણસિરામિક ફેક્ટરીઓમાં ગેસના અભાવે ઉત્પાદન બંધ થવાની અણી પર છે અને ઉદ્યોગકારોએ નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટ્સના ભાવમાં મોટો વધારો ઝીંકાય તેવી પૂરી શક્યતાઓ તોળાઈ રહી છે.#MorbiUpdate #MorbiCeramic #PropaneGasCrisis #IranIsraelWar #CeramicIndustry #MorbiNews #GujaratNews #BusinessNews #TilesMarket