મોરબી : મોરબીમાં આસુરી શક્તિ પરના વિજય રૂપે સોમવારે ઠેરઠેર હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું અને લોકોએ હોલિકા માતાની પ્રદક્ષિણા કરીને દુર્ગુણોની આહુતિ આપી હતી. જ્યારે આજે રંગોત્સવની નિર્દોષ મસ્તી અને ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ આત્મીયતાના રંગે રંગાઇ રહ્યા છે.મોરબીમાં સોમવારે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિસ્તારના મુખ્ય ચોકમાં શ્રધ્ધાભેર હોળી પ્રગટાવવામાં આવી હતી. લોકોએ ખજૂર, ધાણી, દાળિયા, ટોપરું અને નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણોરૂપી આસુરી શક્તિના દહનની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી. હોળીની છેલ્લી ઘડીએ બજારોમાં ખજૂર સહિતની ખાણીપીણીની વસ્તુઓ તેમજ રંગોત્સવ માટે સ્વદેશી વિવિધ જાતની પિચકારીઓ અને હર્બલ કલરની ભારે ખરીદી જોવા મળી હતી. લોકો મોંઘવારીના ડામને વિસરી જઈને ઉત્સાહભેર હોળીની ઉજવણીમાં જોડાયા હતા.ગઇકાલે ધોકો હતો અને આજે રંગોત્સવ છે. શેરીએ ગલીએ વિવિધ રંગોની છોળો ઉડી રહી છે. નાના ભૂલકાંઓથી માંડીને મોટેરાઓ પોતાના પરિવાર, સ્નેહીજનો, સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવ મનાવી રહ્યા છે.બીજી તરફ, ધુળેટી પર્વને લઈને કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જાહેરમાં કલર ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ખાસ કરીને ધુળેટીમાં રંગ ઉડાડવાના બહાને કેટલાક આવારા તત્વો છાકટા બનતા હોય છે અને જાહેર માર્ગો પર આવતા જતા લોકોને ધૂમ બાઇક ઉપર કલર ઉડાડીને પજવણી કરતા હોય છે. આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર જિલ્લા પોલીસ સજ્જ બની છે.#Morbi #MorbiUpdate #Holi #Dhuleti #FestivalOfColors #MorbiNews #HoliCelebration #GujaratNews #MorbiPolice