ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સિરામિક ઉદ્યોગની માઠી બેઠી : અંદાજે 60થી 65 ટકા સિરામિક ઉદ્યોગો પ્રોપેન ઉપર જ નિર્ભર, પ્રોપેનની સપ્લાય બંધ થતાં જ ઉત્પાદન પણ બંધ કરવાની ફરજ પડશેમોરબી : મોરબીનો જગવિખ્યાત સિરામિક ઉદ્યોગ હાલમાં એક મોટી કટોકટીનો સામનો કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રોપેન ગેસની સપ્લાય માત્ર આવતીકાલ સુધી જ ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે મોટાભાગના ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી પડે અને શટડાઉનની સ્થિતિ ઉભી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિએ મોરબીના ઉદ્યોગને સીધી અસર પહોંચાડી છે, જેના પરિણામે ગેસ પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. ઉદ્યોગકારોમાં આ મુદ્દે ભારે ચિંતા વ્યાપી છે.મોરબીના આશરે 60 થી 65 ટકા સિરામિક ઉદ્યોગો મુખ્ય ઇંધણ તરીકે પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે. આ ગેસનો નિયમિત પુરવઠો ખોરવાતા સિરામિક ટાઇલ્સ અને અન્ય ઉત્પાદનોની ફેક્ટરીઓ ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. ઈરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે, ભારત આવતા મોટાભાગના વેસલ (જહાજો), જે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પસાર કરીને આવે છે, તેમનું આગમન બંધ થઈ ગયું છે. આ સપ્લાય ચેન ખોરવાતા જ પ્રોપેન ગેસનો પુરવઠો સીમિત થઈ ગયો છે, અને ફેક્ટરીઓને આવતીકાલે બુધવાર સુધી જ ગેસ મળવાનો છે. તેવું વિશ્વાસનીય સૂત્રો જણાવી રહ્યા છે.બીજી તરફ, પ્રોપેનના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસની સ્થિતિ પણ ચિંતાજનક છે. પરંતુ આ મામલે ગુજરાત ગેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બજારમાં એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે, જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં નેચરલ ગેસના પુરવઠામાં પણ મોટો કાપ મૂકવામાં આવી શકે છે. જો આમ થશે, તો સીરામીક ઉદ્યોગ માટે ટકી રહેવું વધુ કપરૂં બનશે.શટ ડાઉન આવશે તો રોજગારી ઉપર પણ અસરમોરબી સિરામિક ઉદ્યોગ મોટાભાગે પ્રોપેન ગેસ પર નિર્ભર છે. જો આ ગેસ સપ્લાય બંધ થાય, તો 60 થી 65 ટકા ઉદ્યોગોને ફરજિયાત શટડાઉનનો સામનો કરવો પડશે. આનાથી માત્ર ઉત્પાદન પર જ નહીં, પરંતુ હજારો કામદારોની રોજગારી પર પણ મોટું સંકટ ઉભું થશે.વેસલ જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી ગેસ કટોકટી વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની સીધી અસર મોરબીના ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' એ એક મહત્વપૂર્ણ શિપિંગ રૂટ છે, જ્યાંથી ભારત માટે ગેસ લાવતા જહાજો પસાર થાય છે. યુદ્ધની સ્થિતિના કારણે આ રૂટ પરથી વેસલનું આગમન અટકી પડ્યું છે, જેના પરિણામે ગેસની આયાત સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ જ કારણસર આજે ગેસની ભયંકર કટોકટી સર્જાઈ છે. જ્યાં સુધી વેસલ આવવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી આ કટોકટી યથાવત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.#MorbiUpdate #MorbiCeramic #CeramicIndustry #GasCrisis #PropaneGas #NaturalGas #MorbiNews #GujaratIndustry #GeoPolitics #EnergyCrisis #CeramicShutdown