હાલ ગેસનો કેટલો જથ્થો ઉપલબ્ધ અને કેટલો રિઝર્વ રખાશે તે મામલે અધિકારીઓ ફોડ પાડી રહ્યા નથી : જો ગેસ સપ્લાય બંધ થાય તો કારખાનાઓ શટ ડાઉન કરવા પડે તેવી સ્થિતિમોરબી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટર પર જોવા મળી રહી છે. સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન ગેસના પુરવઠામાં મોટી પળોજણ સર્જાવવાની શક્યતાઓ ઊભી થઈ છે, જેના કારણે મોરબીના ઉદ્યોગકારોની ચિંતામાં મોટો વધારો થયો છે.મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસનો વપરાશ અત્યંત મહત્વનો છે. અંદાજ મુજબ, હાલમાં મોરબીના 60થી 65 ટકા જેટલા સિરામિક એકમો પ્રોપેન ગેસનો અને બાકીના 35થી 40 ટકા એકમો નેચરલ ગેસનો વપરાશ કરે છે. ઉદ્યોગોને જરૂરીયાત મુજબનો આ ગેસ મુખ્યત્વે ઈરાન તથા આજુબાજુના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં યુદ્ધના કારણે અનેક શિપ ત્યાં રોકાઈ ગઈ છે. દરિયાઈ પરિવહન અટકી ગયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગેસનો જથ્થો ઘરેલુ વપરાશ (ડોમેસ્ટિક ગેસ) માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેવામાં સરકાર ઉપલબ્ધ ગેસમાંથી થોડો ગેસ રિઝર્વ પણ રાખી શકે છે. કારણકે રાંધણ ગેસ પ્રાથમિક જરૂરિયાતમાં આવે છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આવો કોઈ નિર્ણય લેવાય તો ઉદ્યોગો માટે ગેસનો કાપ આવે તેવી પ્રબળ ભીતિ સેવાઈ રહી છે.બીજી તરફ જો યોગ્ય માત્રામાં ગેસ ન મળે તો મોરબીના અનેક કારખાનાઓનું ઉત્પાદન ખોરવાઈ શકે છે, જેની સીધી અસર લાખો કામદારોની રોજગારી અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબીના સિરામિક પ્રોડક્ટ્સની નિકાસ અને સપ્લાય ચેઈન પર પડશે.અધિકારીઓ શુ કહે છે ?ગેસ કંપનીઓના અધિકારીઓએ હજુ સુધી ગેસની સ્થિતિ વિશે સતાવાર જાણકારી જાહેર કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કક્ષાએથી આ મામલે બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. આ અંગે ઉપરી કક્ષાએ કોઈ નિર્ણય લેવાશે ત્યારબાદ અધિકારીઓ આ અંગે માહિતી આપશે. ગેસની સપ્લાય ખોરવાશે તો કારખાના શટ ડાઉન કરવા પડશેમોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધને કારણે પ્રોપેન ગેસની શોર્ટ સપ્લાય થાય અને ઉદ્યોગકારોને સમયસર પ્રોપેન ગેસ ન મળે આવી સ્થિતિ સર્જાય તેની શક્યતાઓ છે. ગેસની સપ્લાઈ કરતી કંપની કે ગેસને સપ્લાય કરતાં સપ્લાયર દ્વારા પ્રોપેન ગેસની સપ્લાય વિશેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. પરંતુ જો ગેસની સપ્લાય ખોરવાઈ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પોતાના કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મોરબીમાં દરરોજ 5500 ટન જેટલો પ્રોપેન ગેસ સિરામિકના ઉત્પાદન માટે વાપરવામાં આવે છે. પરંતુ જો પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને માઠી અસર થશે. ગેસનો મુદ્દો ચિંતાજનક છે, તેની અસર વ્યાપક રીતે પડશેસિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે યુદ્ધના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ગેસને અસર પહોંચી રહી છે. આની અસર સ્થાનિક કક્ષાએ ક્યારે પહોંચશે તે અંગે કઈ કહી શકાય તેમ નથી. હાલ આ વિષય ચિંતાજનક તો છે. જો ગેસની સપ્લાય અટકશે તો સિરામિક ઉદ્યોગમાં શટ ડાઉન આવશે. જેની અસર ઉત્પાદન, નિકાસ અને રોજગારી ઉપર વ્યાપક પ્રમાણમાં પડશે. #Morbi #MorbiUpdate #CeramicIndustry #GasCrisis #PropaneGas #NaturalGas #MorbiNews #IranIsraelWar #GujaratBusiness #BusinessNews