મોરબી: ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસરો હવે મોરબીના આંગણે પહોંચી છે. વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય ચેઈન ખોરવાવાના અણસાર વચ્ચે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર ગેસ સંકટ ઘેરું બની રહ્યું છે. જો ગેસનો પૂરતો જથ્થો નહીં મળે તો આગામી દિવસોમાં મોરબીના સિરામિક એકમોને શટ ડાઉન કરવાની નોબત આવી શકે છે. જેને પગલે ઉદ્યોગકારોમાં ભારે ચિંતા વ્યાપી છે.આ ગંભીર પરિસ્થિતિને પારખીને મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારોએ તાત્કાલિક ધોરણે ગુજરાત ગેસની કચેરીએ પહોંચીને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સિરામિક ઉદ્યોગ ગેસ પર નભતો હોવાથી, ભવિષ્યની રણનીતિ અને પ્રોડક્શન પ્લાનિંગ નક્કી કરવા માટે એસોસિએશન દ્વારા અધિકારીઓ સમક્ષ સ્પષ્ટ ચિત્ર રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી.બેઠક દરમિયાન સિરામિક એસોસિએશનના હોદેદારોએ ગુજરાત ગેસના અધિકારીઓ સમક્ષ મુખ્યત્વે ત્રણ સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ગુજરાત ગેસ મોરબીના ઉદ્યોગોને હજુ કેટલા દિવસ સુધી અવિરત ગેસ સપ્લાય આપી શકશે? કટોકટીના સમય માટે કંપની પાસે ગેસનો કેટલો રિઝર્વ જથ્થો રાખવાનું છે? આગામી દિવસોમાં જો સપ્લાય ઘટે તો ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં કેટલો કાપ મુકવામાં આવશે? આવા પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ પ્રશ્નોના ઉત્તરમાં ગુજરાત ગેસના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતા ચોક્કસ આંકડાઓ ઉપરના લેવલેથી મેળવવા પડે તેમ છે. તેઓએ હેડ ઓફિસેથી સત્તાવાર ડેટા મંગાવીને ટૂંક સમયમાં જ એસોસિએશનને આ અંગેની સચોટ માહિતી પૂરી પાડશે.ગેસ વગર સિરામિક ઉદ્યોગ શટ ડાઉનની અણી પર પહોંચશેસિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં ગેસ અનિવાર્ય છે. અન્ય કોઈ સસ્તો અને સક્ષમ વૈકલ્પિક ઇંધણ ન હોવાથી, જો ગેસનો સપ્લાય ખોરવાય કે મોટો કાપ આવે, તો ફેક્ટરીઓનું પ્રોડક્શન ચાલુ રાખવું અશક્ય બની જાય છે. હાલના સંજોગો જોતા જો સપ્લાય ઘટશે તો અનેક એકમોએ ફરજિયાત શટ ડાઉન કરવું પડશે.આંતરરાષ્ટ્રીય યુદ્ધની લોકલ ઈકોનોમી પર સીધી ચોટહજારો કિલોમીટર દૂર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે લડાઈ રહી છે, પરંતુ તેની સીધી ચોટ મોરબીની લોકલ ઈકોનોમી પર પડી રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપે છે. વિદેશી યુદ્ધના કારણે ઉદભવેલી આ ગેસ કટોકટીએ સાબિત કર્યું છે કે વૈશ્વિક રાજકીય અસ્થિરતા મોરબીના સ્થાનિક ઉદ્યોગને કેટલી હદે પ્રભાવિત કરી શકે છે.