મોરબી : મોરબીના જૂના બસ સ્ટેશન ખાતે આઠ કલાકથી ગભરાયેલી હાલતમાં બેઠેલી એક મહિલા અંગે જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં જાણ કરતા અભયમની ટીમે તાત્કાલિક પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. પતિના ત્રાસથી કંટાળીને ઘર છોડી ગયેલી આ મહિલાને સમજાવીને ટીમે તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.ગત તારીખ ૦૨/૦૩/૨૦૨૬ના રોજ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો કે એક અજાણી મહિલા મોરબી જુના બસ સ્ટેશન ખાતે આઠ કલાકથી એકલી બેઠી છે અને સતત રડી રહી છે. તે સરખું સરનામું પણ આપી શકતી નથી. આ માહિતી મળતા જ ૧૮૧ના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ મહેશભાઈ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે મહિલાને સાંત્વના આપી પૂછપરછ કરતા તેણે પોતાની વ્યથા ઠાલવી હતી.કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ મહિલા મૂળ એમ.પી.ની છે અને હાલ મોરબીની એક ટાઇલ્સ કંપનીમાં તેના પતિ અને સાસુ-સસરા સાથે રહે છે. મહિલાએ લવ મેરેજ કર્યા હોવાથી પિયરપક્ષ સાથે કોઈ વ્યવહાર નથી. તેનો પતિ નાની-નાની વાતોમાં ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો તેમજ ઘરની બહાર કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો. તાજેતરમાં મહિલા બીમાર હોવાથી પતિને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું, પરંતુ પતિએ ગુસ્સે થઈને મારઝૂડ કરી હતી. આ ત્રાસથી કંટાળીને તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. આ માહિતીના આધારે ૧૮૧ ટીમે કંપનીનું સરનામું મેળવી મહિલાના પતિ અને સસરાનો સંપર્ક કરી કંપની ખાતે પહોંચ્યા હતા. પૂછપરછમાં પતિએ જણાવ્યું હતું કે તે નાઈટ ડ્યુટી કરીને આવ્યો હોવાથી તેણે હોસ્પિટલ જવાની ના પાડી હતી, જેના કારણે ઝઘડો થયો હતો. ત્યારબાદ અભયમ ટીમે કાયદાકીય જોગવાઈઓ સમજાવી, મહિલા પર શારીરિક કે માનસિક અત્યાચાર ન કરવા અને બીમારીમાં યોગ્ય સારવાર કરાવવા પરિવારને કડક સૂચના આપી હતી.અંતે મહિલાએ પણ ભવિષ્યમાં આ રીતે ઘર ન છોડવાની ખાતરી આપી હતી અને રાજીખુશીથી પરિવાર સાથે રહેવા સહમત થતા તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા બદલ પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #181Abhayam #WomensHelpline #GujaratPolice #AbhayamTeam #DomesticViolencePrevention